પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ અને કેદારનાથમાં યાત્રાળુઓ માટે માત્ર રૂપિયા 300 ચૂકવીને VIP દર્શન કરવાની સુવિધા ચાલુ કરવામાં આવી છે.. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ BKTCની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BKTCએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોની મુલાકાત લેતા તમામ પ્રકારના VIPsના વિશેષ દર્શન અને પ્રસાદ માટે વ્યક્તિ દીઠ 300 રૂપિયાની ફી નક્કી કરી છે. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.
સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, ચારધામોમાં VIP દર્શનના નામે ઘણી બબાલ થઈ રહી છે, તેથી VIP દર્શન માટે 300 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જે યાત્રિકો વીઆઈપી દર્શન કરવા ઈચ્છે છે તેમણે રૂપિયા 300 ચૂકવવા પડશે. BKTCના કર્મચારીઓ યાત્રિકોને VIP દર્શન કરાવવાની જવાબદારી સંભાળશે.
કેદારનાથના દર્શન માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTCની ઓનલાઈન પોર્ટલ પર કરવુ પડશે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 6 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. રજિસ્ટ્રેશનની આ પ્રોસેસ ફેબ્રૂઆરીથી શરુ થઈ જાય છે. ચારધામ યાત્રામાં સૌથી વધુ રજિસ્ટ્રેશન કેદારનાથ માટે થયા છે.