ફ્રાન્સમાં પોલીસ દ્વારા 17 વર્ષીય એક નિર્દોષ કિશોરની ગોળી મારીને હત્યા કરવાના મુદ્દે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા છે. છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહેલા આ પ્રદર્શનમાં 200થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા છે. દેશભરમાં આગચંપી અને તોડફોડની વ્યાપક ઘટનાઓ બની છે. સ્થિતિને ધ્યાનમાં લઇ પ્રેસિડેન્ટ ઈમેનુઅલ મેક્રોને ઉચ્ચ કક્ષા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જો હિંસા પર નિયંત્રણ નહિ આવેતો તો દેશમાં ઇમરજન્સી જાહેર થાય તેવી સંભાવના છે.
ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને કહ્યું કે, સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે, જેમાં ઇમરજન્સી જાહેર કરવાનો વિકલ્પ પણ સામેલ છે. ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્મેનીને જણાવ્યું કે ગુરુવારે રાતથી શુક્રવારની સવાર સુધી વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 600 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ મોટાભાગના પેરિસના છે. વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ ચાલું રહ્યું હતું. હિંસાને રોકવા માટે સ્પેશિયલ પોલીસ ફોર્સને બોર્ડો, લ્યોન, રુબેક્સ, માર્સેલ અને લિલી શહેરમાં ગોઠવવામાં આવી છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે હિંસાને રોકવા માટે પેરિસ અને આસપાસના શહેરોમાં વધારાના પોલીસ દળ તૈનાત કરવાની મંજૂરી આપી છે. જોકે, હજુ સુધી સેનાને બોલાવવાનો વિચાર કરવામાં આવ્યો નથી. મીડિયા રીપોર્ટ મુજબ માર્સેલ શહેરમાં દેખાવકારોએ પોલીસ પર બોંબ ફેંક્યા છે. ઉત્તરમાં આવેલા લિલી શહેરના એક વીડિયોમાં સળગતી આગ જોઈ શકાય છે અને લોકો ભાગી રહ્યા છે.

LEAVE A REPLY