પંજાબના મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીઓની કેટલીક વિદ્યાર્થીનીઓના એક કથિત આપત્તિજનક વીડિયોની અફવાને પગલે છેલ્લાં બે દિવસ સુધી હોબાળો થયો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં જંગી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કરીને તપાસની માગણી કરી હતી. હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ બીજી કેટલીક વિદ્યાર્થીનીઓનો વોશરૂમનો વીડિયો ઉતારીને વીડિયો તેના બોયફ્રેન્ડને શેર કર્યો હોવાનું માનવામાં આવે છે. જોકે પોલીસે આવો કોઇ વીડિયો હોવાનો ઇનકાર કર્યો હતો અને તેને માત્ર અફવા ગણાવી હતી. વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શનને પગલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે આ મામલે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિંગેશન ટીમની રચના કરી છે.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે એક વિદ્યાર્થિનીની ધરપકડ કરી હતી અને હિમાચલપ્રદેશમાં તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવા ટીમ મોકલી હતી. આપત્તિજનક વીડિયોને પગલે શનિવારની રાત્રે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો હતો. સ્થિતિની સમીક્ષા કરવા યુનિવર્સિટી કેમ્પલમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે પહોંચેલા પંજાબના અધિક પોલીસ મહાનિર્દેશક ગુરપ્રીત દેવે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થિનીએ યુવકને પોતાનો વીડિયો શેર કર્યો હતો અને બીજી યુવતીઓનો કોઇ વાંધાજનક વીડિયો નથી.
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કરાયો હોવાના તથા આ એપિસોડ બાદ વિદ્યાર્થિનીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના દાવાને યુનિવર્સિટી સત્તાવાળાએ પણ ખોટા અને તથ્ય વગરના ગણાવીને ફગાવી દીધા હતા.
જોકે રવિવારની સાંજે યુનિવર્સિટી કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને નવેસરથી ઉગ્ર દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી સત્તાવાળા આ સમગ્ર મુદ્દા પર ઢાંકપિછોડો કરી રહ્યાં છે. કાળા કપડા પહેરીને વિદ્યાર્થીઓએ પોલીસની હાજરીમાં વી વોન્ટ જસ્ટિસના નારા પોકાર્યા હતા.
મોહાલીના સિનિયર એસપી વિવેક શીલ સોનીએ જણાવ્યું હતું કે કેટલીક યુવતીઓનો વીડિયો બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં લીક કરાયો છે તેવી અફવા બાદ શનિવારની રાત્રે દેખાવો થયા હતા. ધરપકડ કરવામાં આવેલી વિદ્યાર્થિનીના મોબાઇલ ફોનને ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરાયો છે. કોઇ વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો નથી કે કોઇનું મોત થયું નથી.
આ મુદ્દે આઇપીસીની કલમ 354-સી અને આઇટી ધારા હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે અને તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપતા પંજાબના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે. હું સત્તાવાળાના સંપર્કમાં છું. લોકોએ અફવાને સાચી માનવી જોઇએ નહીં.
ઘટનાની રાજકીય પક્ષોએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી તથા કેન્દ્રીય અને રાજ્ય મહિલા પંચે પણ તપાસની માગ કરી હતી. પંજાબ રાજ્ય મહિલા પંચના વડા મનીષા ગુલાટીએ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય મહિલા પંચે પંજાબના પોલીસ મહાનિર્દેશકને એક પત્ર લખીને ગુનેગારો સામે એફઆઇઆર દાખલ કરવાની અને કડક પગલાં લેવાની માગણી કરી હતી. પીડિત યુવતીઓનું કાઉન્સેલિંગ કરવાની પણ સલાહ આપી હતી.