દેશભરની મેડિકલ અને પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG)માં કથિત પેપર લીક અને બીજી ગેરરીતિનો કારણે દેશભરના વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ ચાલુ થયો હતો અને આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
સુપ્રીમ કોર્ટેમાં સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે તેવા આશરે 1,563 ઉમેદવારોના સ્કોરકાર્ડને રદ કરાશે. આ વિદ્યાર્થીઓ 23 જૂને ફરી પરીક્ષા આપી શકશે અને તેનું રિઝલ્ટ 30 જૂને જાહેર થશે.
અગાઉ આ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પરીક્ષાની પવિત્રતાને અસર થઈ છે અને તેથી કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જવાબ આપવો પડશે. જોકે સર્વોચ્ચ અદાલતે MBBS, BDS અને અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના સફળ ઉમેદવારોના કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ પરીક્ષા નવેસરથી લેવાની માગણી કરતી એક અરજી થઈ છે.
સર્વોચ્ચ અદાલત આ મામલાની નિયમિત સુનાવણી 8 જુલાઈથી ફરી ચાલુ કરશે. NEET-UG, 2024ની પરીક્ષા 5 મેના રોજ યોજાઈ હતી. તેનું રિઝલ્ટ 14 જૂન આવવાની ધારણા હતી, પરંતુ રિઝલ્ટ 4 જૂને જાહેર કરી દેવાયું હતું.
દેશભરની સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG) પરીક્ષા લે છે.
અરજીમાં આરોપ મૂકાયો છે કે પરીક્ષાના પેપર લીક થયા હતાં, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અગાઉથી પરીક્ષાના પેપરો મળી ગયા હતા અને તેઓ સફળ થયા હતાં. 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને કુલ ઉપલબ્ધ બેઠકોની સંખ્યા 1 લાખ છે. આ સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા છે. 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક મળ્યા હતાં.