અગ્રણી ઈન્ડિયન અમેરિકન બિલિયોનેર અને ઉદ્યોગ સાહસિક વિનોદ ખોસલાએ પોતાના સિલિકોન વેલી ખાતેના નિવાસે એક ફંડ રેઈઝર કાર્યક્રમમાં 15 લાખથી પણ વધુની રકમ એકત્ર કરાવી હતી. વિનોદ ખોસલા સન માઈક્રોસીસ્ટમના સ્થાપક ભાગીદાર તથા ખોસલા વેન્ચર્સના સ્થાપક પણ છે.
2024ની ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન બાઈડેન કોઈ ઈન્ડિયન અમેરિકન સમર્થકના ફંડ રેઈઝિંગ કાર્યક્રમમાં પોતે ઉપસ્થિત રહ્યાનો આ પહેલો પ્રસંગ હતો. વિનોદ ખોસલાના પોતાના નિવાસે યોજાએલા આ કાર્યક્રમમાં ગત સપ્તાહે શુક્રવારે (10 મે) લગભગ 80 જેટલા લોકોએ હાજરી આપી હતી અને પ્રેસિડેન્ટ બાઈડેને ઉપસ્થિત લોકોને 15 મિનિટના સંબોધનમાં ઈમિગ્રાન્ટ્સ અને મહિલાઓના અધિકારો વિષે ખાસ રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં બાઈડેનના સ્પીચ રાઈટર વિનય રેડ્ડી તથા વ્હાઈટ હાઉસના બે-ત્રણ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. ડેમોક્રેટિક નેશનલ ફાયનાન્સ કમિટીના સભ્ય અજય ભુટોરીઆ પણ હાજર રહ્યા હતા.