ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો સાથે સંકળાયેલી ગ્રૂપની ત્રણ કંપનીઓમા ડાયરેક્ટરના હોદ્દા ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હોવાના મીડિયામાં અહેવાલ આવ્યા હતા. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ભારતના નિયમનકારો અદાણી ગ્રૂપની વિદેશી કંપનીઓની દેખરેખ રાખવા માટે નિષ્ફળ ગયા છે કે નહીં તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કર્યાના થોડા દિવસ પહેલા ગૌતમ અદાણીએ આ રાજીનામું આપ્યું હતું.
24 જાન્યુઆરીના હિન્ડનબર્ગના રીપોર્ટમાં આક્ષેપ કરાયો હતો કે વિનોદ અદાણી અદાણીના અંકુશ હેઠળની ડઝનબંધ શેલ કંપનીઓ અદાણી ગ્રૂપમાં અબજ ડોલર લાવવામાં અને બહાર લઈ જવાનું કામ કરે છે.
ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી 74 વર્ષના છે અને અત્યાર સુધી તેમના વિશે બહુ ઓછી માહિતી બહાર આવી છે. તેમણે કોમોડિટીમાં ટ્રેડિંગ કરીને જંગી કમાણી કરી હોવાનું માનવામાં આવે છે અને તેઓ 1.2 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. વિનોદ અદાણી દુબઈથી જ ફેમિલી ઈન્વેસ્ટમેન્ટ ઓફિસ મારફત બિઝનેસ કરે છે. વિનોદ અદાણી એક સમયે સૌથી ધનાઢ્ય NRI ગણવામાં આવતા હતા.
લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં અદાણીના કોલસાની ખાણો સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓ – કારમાઈકલ રેલ એન્ડ પોર્ટ સિંગાપોર, કારમાઈકલ રેલ સિંગાપોર અને એબોટ પોઈન્ટ ટર્મિનલ એક્સપેન્શનમાંથી વિનોદ અદાણીએ રાજીનામું આપ્યું હતું.
આ ત્રણ કંપનીઓમાં અદાણી ગ્રૂપે અબજો ડોલર લગાવ્યા છે. જોકે, વિનોદ અદાણી હજુ પણ સિંગાપોર સ્થિત એબોટ પોઈન્ટ પોર્ટ હોલ્ડિંગ્સના બોર્ડમાં સામેલ છે.
24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટે અદાણી ગ્રૂપ પર આરોપો કરીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે અદાણીએ પોતાના શેરના ભાવ કૃત્રિમ રીતે વધાર્યા છે અને વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત શેલ કંપનીઓએ કરોડો ડોલરની હેરાફેરી કરી છે.