નોર્થ વેસ્ટ લંડનના કેન્ટનના વુડકોક હિલ પરથી મંગળવાર, તા. 19 જાન્યુઆરીના રોજ સાંજે 5-40 કલાકે પસાર થતાં 61 વર્ષીય રાહદારી વિમલાબેન મતાઇને કારની ટક્કર લાગતાં તેમનું મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે તકે મોતને ભેટેલા વિમલાબેનનો બનાવના દિવસે જ જન્મ દિવસ હતો જે તેમના અને પરિવાર માટે ગોઝારો નિવડ્યો હતો.
પોલીસ અધિકારીઓ અને લંડન એમ્બ્યુલન્સ સેવા [LAS]ના પેરામેડિકસ ઘટના સ્થળે ધસી ગયા હતા. શ્રીમતી મતાઇને બચાવવા માટે પેરામેડિક્સના ઘણાં પ્રયત્નો છતાં, તેણીનું ઘટનાસ્થળે જ સાંજે 6-02 કલાકે મૃત્યુ થયું હતું.
પોલીસે ઘટના સ્થળેથી રૂપેરી રંગની પ્યુજો 308 કાર કબ્જે કરી ડેન્જરસ ડ્રાઈવિંગ, ડ્રીંક ડ્રાઇવિંગ અને ડ્રાઇવિંગ વિથ નો ઇન્સ્યુરન્સના ગુનાઓ બદલ શંકાના આધારે વાહન ચાલક 27 વર્ષિય પુરૂષ ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જેને નોર્થ લંડન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરી ફેબ્રુઆરીના મધ્યમાં હાજર થવાની શરતે જામીન પર મુક્ત કર્યો હતો.
સીરીયસ કોલાઇઝન ઈન્વેસ્ટિગેશન યુનિટના ડિટેક્ટીવ સાર્જન્ટ ક્રિસ માર્ટિને કહ્યું હતું કે “આ એક દુ:ખદ ઘટના હતી જેણે એક મહિલાનો જીવ લીધો હતો, જેઓ આજે પોતાનો સાઇઠમો જન્મદિવસ ઉજવનાર હતા. હું આ બનાવને જોનારા સાક્ષીઓ અને તે વિસ્તારમાંથી પસાર થતાં ડેશ-કેમ ફૂટેજ ધરાવતા વાહનચાલકોને તપાસમાં મદદ માટે આગળ આવવા અને અમારો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરું છું.”
માહિતી ધરાવતા લોકો ફોન નંબર 0208 246 9820 ઉપર સીરીયસ કોલાઇઝન ઇન્વેસ્ટિગેશન યુનિટને રેફરન્સ નંબર 5308/19 Jan આપી ફોન પર, ઇમેઇલ [email protected] અથવા 101 ઉપર કૉલ કરી શકશે.