ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને અને મોતના સત્તાવાર આંકડામાં ઘટાડો થયો છે. શહેરી વિસ્તારોમાં કેસો ઘટ્યા છે પરંતુ રાજ્યના ગામડાંઓમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ સુવિધા અને હેલ્થકેર સુવિધાને અભાવે દરરોજ સંખ્યાબંધ લોકો મરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ગામડામાં કોરોનાની સાથે સાથે મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ) નામની ભયાનક બિમારી પણ ફેલાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ માથું ઉંચકતા સરકાર પણ દોડતી થઇ ગઇ છે.
ગુજરાત હાઇકોર્ટે સોમવારે સુઓ મોટો સુનાવણી કરીને જણાવ્યું હતું કે અમારી માહિતી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના 4 થી 5 લોકોના મોત નિપજી રહ્યા છે. એમના ટેસ્ટ થયા નથી હોતા. એમને ટેસ્ટ કરાવવાની જાણકારી પણ હોતી નથી. તેના માટે સરકાર શું કરી રહી છે?
રાજકોટ જિલ્લાનાં ૬૦૦ જેટલા ગામડાઓમાંથી મોટાભાગનાં ગામમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંકમાં વધારો થયો હતો. કેટલાંક ગ્રામીણ વિસ્તારોમાં કોરોના બ્લાસ્ટ થયો છે. એકાએક આ ગામોમાં લોકો ટપોટપ મોતને ભેટી રહયા હોય ત્યારે ગામ લોકોમાં ભારે ફફડાટ ઉભો થયો હતો. સરધાર, પડધરીનાં થોરીયાળી – ખોડાપીપર અને જેતપુરનાં પાંચપીપળવા ગામમાં કોરોનાએ મોતનું તાંડવ ખેલ્યુ હતું.
રાજકોટ તાલુકાનાં સરધારમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા બે મહિનામાં ૬૦ જેટલા લોકોનાં કોરોનાથી મોત થતા ફફડાટ વ્યાપી ગયો છે. આવી જ હાલત જેતપુર તાલુકાનાં પાંચપીપળવા ગામની છે. સ્થાનિક આગેવાનોએ જણાંવ્યુ હતું કે આશરે ૪ હજારની વસતી ધરાવતા પાંચપીપળવા ગામમાં બીજી લહેરમાં અનેક ઘરનાં સભ્યો કોરોના સંક્રમિત થયા હતા પરંતુ તાત્કાલિક સારવાર ન મળતા અને જાગૃતિનાં અભાવે છેલ્લા દોઢેક મહિનામાં ૭૦ જેટલા લોકોનાં મોત થતા નાના એવા ગામમાં ડરનો માહોલ ઉભો થયો છે. પડધરી તાલુકાનાં થોરીયાળી અને ખોડાપીપરની પણ આવી જ ગંભીર સ્થિતિ છે. થોરીયાળી ત્રણેક હજારની વસતી ધરાવતુ ગામ છે આ ગામમાં છેલ્લા દોઢેક મહિનામાં ૩પ જેટલા લોકોને કોરોના ભરખી ગયો છે.
ગામમાં નાની ઉંમરના લોકો પણ કોરોનાનો ભોગ બનતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આવી જ હાલત ખોડાપીપર ગામની છે અને રર જેટલા લોકો મોતને ભેટયા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨૩,૬૯૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાંથી ૧૨,૭૮૪ ગામડાઓમાં અને ૧૦૯૧૪ કેસોનો શહેરી વિસ્તારોમાં સમાવેશ થતો હતો. આ જિલ્લાઓમાં એક જ પખવાડીયામાં ૨૬૮ લોકોને કોરોના ભરખી ગયો હતો. છેલ્લાં 15 દિવસમાં મહેસાણા જિલ્લામાં ૫,૫૫૩ કેસો પૈકી ૨,૩૬૬ શહેરોમાં અને ૩,૧૮૭ ગામડાઓમાં, પાટણ જિલ્લામાં ૮,૩૫૦ કેસોમાંથી શહેરોમાં ૪,૦૪૭ અને ગામડાઓમાં ૪૩૦૩ તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લામાં ૯૭૯૫ કેસો પૈકી શહેરોમાં ૪૦૪૭ તથા ગામડાઓમાં ૫૨૯૪ પોઝીટીવ કેસોનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે એક પખવાડીયામાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ૧૦૬, પાટણમાં ૭૭ અને બનાસકાંઠામાં ૮૫ મળી કુલ ૨૬૮ કોરોના દર્દીઓને કોરોના ભરખી ગયો હતો.