કોર્ટ તિરસ્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 10 ફેબ્રુઆરીએ ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને વ્યક્તિગત રીતે અથવા વકીલ મારફત તેની સામે હાજર થવા છેલ્લી તક આપી છે. વિજય માલ્યા આશરે રૂ.9,000 કરોડના બેન્ક લોન કૌભાંડના કેસમાં આરોપી છે. હાલમાં બંધ થઈ ગયેલી કિંગફિશરે આ લોન લીધી હતી. માલ્યા હાલમાં યુકેમાં છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માલ્યાને વ્યક્તિગત રીતે અથવા વકીલ મારફત હાજર થવાની ઘણી તકો આપવામાં આવી છે. 30 નવેમ્બર 2021ની તારીખના છેલ્લાં ઓર્ડરમાં ખાસ નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.
તિરસ્કાર કેસની વધુ સુનાવણી બે સપ્તાહ માટે મોકૂફ રાખતા કોર્ટે જણાવ્યું હતું કે માલ્યા ગયા વર્ષના 30 નવેમ્બરના આદેશમાં આપવામાં આવેલી સૂચના મુજબ કાર્ય કરી શકે છે. જો તેઓ તેમાં નિષ્ફળ રહેશે તો આ કેસને તેના તાર્કિક અંત સુધી લઈ જવામાં આવશે.
આ કેસમાં કોર્ટ સલાહકાર અને સિનિયર એડવોકેટ જયદીપ ગુપ્તાને કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટના તિરસ્કાર કેસમાં માલ્યા દોષિત જણાયા છે અને હવે સજા આપવી પડશે. સામાન્ય સંજોગમાં દોષિતને સાંભળવામાં આવે છે, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા નથી. કોર્ટે કેવા પગલાં લેવા જોઇએ? મંત્રાલયના અધિકારીઓ કહે છે કે કોઇ કાર્યવાહી ચાલે છે, પરંતુ કોર્ટની તેની કોઇ માહિતી નથી.
ગુપ્તાએ જણાવ્યું હતું કે માલ્યાએ વ્યક્તિગત રીતે હાજર રહેવાની જરૂર નથી અને તેઓ વકીલ મારફત હાજરી રહી શકે છે અને કોર્ટ તેના આદેશમાં વધુ સ્પષ્ટતા કરી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે આગામી સુનાવણીમાં પણ આવું થશે. અમારે તેમની ગેરહાજરીમાં સજા જાહેર કરવી પડશે. આવી સ્થિતિમાં બીજા દેશોની કોર્ટે સત્તાવિહીન નથી. અમને આ સંદર્ભમાં તમારી સહાયની જરૂર છે.