દિલ્હી પોલીસે બેફામ ડ્રાઇવિંગના એક કેસમાં રવિવારે પેટીએમના સીઇઓ વિજય શેખર શર્માની ધરપકડ કરી હતી અને પછીથી જામીન પર મુક્ત કર્યા હતા. વિજય શેખરે દિલ્હીમાં 22 ફેબ્રુઆરીએ સિનિયર પોલીસ અધિકારીની કાર સાથે પોતાની લેન્ડ રોવર કથિત રીતે અથડાવી હતી. દિલ્હી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપીએ દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર બિનિતા મેરી જયકરની કાર સાથે અકસ્માત કર્યો હતો. જોકે તે સમયે કારમાં ડીસીપી ન હતા. આ અકસ્માતમાં કોઇને ઇજા થઈ ન હતી. 43 વર્ષના વિજય શેખર શર્મા ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની પેટીએમના સ્થાપક અને સીઇઓ છે. ફોર્બ્સે 2020માં તેમને ભારતના 62માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ ગણાવ્યા હતા.