ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં બેઠકો જીતવામાં નવો રેકોર્ડ બનાવવાના લક્ષ્યાંક સાથે ભાજપ યુવા ચહેરાઓને લાવવાનું વિચારી રહ્યો છે અને ઉમેદવારોની યાદીમાં ઘણા વરિષ્ઠ નેતાઓને દૂર કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં આવશે નહીં. કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ પડતા મૂકવામાં આવશે, જેમાં સૌરવ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારો નક્કી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ દિલ્હીમાં પાર્ટીના કાર્યાલયમાં બેઠક કરી રહ્યાં હતા ત્યારે આ બંને વરિષ્ઠ નેતાઓએ આ જાહેરાત કરી હતી. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં ગૃહ પ્રધાન અમિત શાહ, પક્ષના વડા જેપી નડ્ડા અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડશે અને અલ્પેશ ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવશે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પટેલ જામનગર ઉત્તરમાંથી ચૂંટણી લડશે.તાજેતરમાં મોરબી બ્રિજની દુર્ઘટના બાદ લોકોને બચાવતા જોવા મળેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.