ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની છે ત્યારે જ ભાજપના મોવડીમંડળે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢ રાજ્યના પક્ષના સંગઠન પ્રભારી બનાવી દીધા છે. હાઇકમાન્ડના આ પગલાંથી ગુજરાત ભાજપમાં મોટું આશ્ચર્ય ફેલાયું છે. હવે રૂપાણીને સંગઠનની મોટી જવાબદારી સોંપાતા તેઓ રાજકોટમાંથી વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે તેવી પ્રબળ સંભાવનાઓ છે. પક્ષના સૂત્રો કહે છે કે વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનની મોટી જવાબદારી સોંપાઇ છે. આ સાથે જ ભાજપે કુલ 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી છે.
પંજાબમાં અત્યારે આમઆદમી પાર્ટીની નવી સરકાર છે અને ત્યાં ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળની કારમી હાર થઇ છે. આથી રૂપાણી માટે પંજાબમાં ભાજપના સંગઠન ઊભું કરવાનો મોટો પડકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી મૂળ સંગઠનના નેતા છે અને તેમણે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીની જવાબદારી નિભાવી હતી.