સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિજય માલ્યા પોતાની અરજી પર ચુકાદો બાકી હોવાની દલીલ આપીને બીજી કોર્ટના ચુકાદાને એટકાવી શકે નહિ. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની બેન્ચે આ આદેશ આપ્યો છે. એસબીઆઈ સહિત અન્ય બેન્કોએ લંડનની કોર્ટમાં માલ્યાની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરી હતી.
લંડનની કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. માલ્યાએ દેવું ચુકવવાના પ્રસ્તાવની સાથે 27 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બાદમાં લંડનની કોર્ટેમાં પણ અપીલ દાખલ કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી દેવાળિયા મામલામાં કોઈ આદેશ થવો ન જોઈએ.
કિંગફિશર એરલાઈનના લોન મામલામાં માલ્યા પર છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. બેન્કના જણાવ્યા મુજબ માલ્યાએ 10 હજાર કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. લંડનની કોર્ટ અને સરકાર માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી ચૂક્યા છે, જોકે તેણે ચુકાદાની વિરુદ્ધ અપીલ કરી હતી. તેની અપીલ પર ફેબ્રુઆરીમાં સુનાવણી થશે.
ભારતમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ(પીએમએલએ) કોર્ટે થોડા દિવસો અગાઉ બેન્કોને માલ્યાની જપ્ત સંપતિ વેચવાની મંજૂરી આપી હતી. જોકે આ આદેશ પર 18 જાન્યુઆરી સુધી સ્ટે રહેશે. આ દરમિયાન માલ્યા કે અન્ય સંબંધિત પક્ષ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.