ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણને લઇને બ્રિટનની કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. એવામાં માલ્યાએ ગુરુવારે એકવાર ફરીથી સરકારને પોતાના દેવાની 100 ટકા રકમ ચુકવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેના વિરુદ્ધના કેસ બંધ કરવા માટે કહ્યુ છે. માલ્યાએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત પર અભિનંદન કહ્યું.
માલ્યાએ કહ્યુ કે તેના દેવાની રકમ ચુકાવવાના પ્રસ્તાવની સરકાર દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ,’કોવિડ-19 રાહત પેકેજ આપવા માટે સરકારને અભિનંદન. તેઓ જેટલી ઇચ્છે એટલી કરન્સી છાપી શકે છે, પરંતુ શું મારા જેવા એક નાનકડા યોગદાનકર્તાને બેન્કમાંથી લીધેલા દેવાની 100 ટકા રકમ પરત કરવાની રજૂઆતની સતત અવગણના કરવી જોઇએ?’કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર માલ્યા વિરુદ્ધ ભારતમાં છેતરપિંડી અને મની લૉન્ડ્રિગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેના પર લગભગ 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. માલ્યાએ સરકારને કહ્યુ છે કે તે શરત વગર પૈસા લઇને કેસ બંધ કરે. લંડનની એક કોર્ટમાં કેસ હાર્યા બાદ માલ્યાએ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ એક અપીલ દાખલ કરી હતી. બ્રિટનની એક કોર્ટમાં માલ્યાની અપીલ બરતરફ થયા બાદ હવે તેની પાસે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય હતો.
માલ્યા માર્ચ 2016થી બ્રિટનમાં છે અને એપ્રિલ 2017થી પ્રત્યાર્પણ વૉરંટ પર અરેસ્ટ થયા બાદ તે જમાનત પર છે. આ પહેલા પણ વિજય માલ્યા દ્વારા કેટલીય વાર આ પ્રકારની ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેણે અપીલ કરી છે કે તે બેન્કમાંથી લીધેલી તમામ રકમ ચુકવવા માંગે છે.