વિદ્યા બાલનના કહેવા મુજબ ફિલ્મ ફેર અવૉર્ડ જીતવાની ઇચ્છા દરેક કલાકારની હોય છે. વિદ્યા પણ ચાર વખત આ અવૉર્ડ જીતી છે. આ અવૉર્ડ તેને ૨૦૧૦માં આવેલી ‘પા’, ૨૦૧૧માં આવેલી ‘ઇશ્કિયા’, ૨૦૧૨માં આવેલી ‘ધ ડર્ટી પિક્ચર’ અને ૨૦૧૩માં આવેલી ‘કહાની’ માટે મળ્યા હતા. એ વિશે જણાવતાં વિદ્યા બાલને કહ્યું હતું કે ‘અવૉર્ડ જીતવો એ સ્પેશ્યલ ફીલિંગ છે. પહેલી વાત તો એ કે ફિલ્મ ફેર અવૉર્ડ પોતાનામાં ખૂબ સુંદર છે. એ પ્રેમ અને પ્રશંસાનું સૂચક છે, જે દર્શકો અને ઇન્ડસ્ટ્રી તરફથી મળે છે. એથી એ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. મને એવું લાગે છે કે દરેક ઍક્ટર્સ-ઍક્ટ્રેસિસનું અવૉર્ડ જીતવાનું સપનું હોય છે. મારું પણ આ સપનું હતું. જોકે હું કદી જીતવાની સ્પીચ તૈયાર કરીને નહોતી જતી, કારણ કે જો તમે જીતવાની જેટલી વધુ ઇચ્છા રાખતા હો તો જીત્યા બાદ તમે એટલા વધુ મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. હું ચાર વર્ષ અવૉર્ડ જીતી હતી એથી મારી સાથે આવું બન્યું છે. ત્રણ વર્ષ સુધી હું બેસ્ટ ફીમેલ ઍક્ટરનો અવૉર્ડ જીતી હતી. એ દરમ્યાન મને બેસ્ટ ફીમેલ ઍક્ટર ક્રિટિક્સનો પણ અવૉર્ડ મળ્યો હતો.’