વેદાંત ગ્રૂપના બિલિયોનેર માલિક અનિલ અગ્રવાલ ભારતના દેવાગ્રસ્ત વિડિયોકોન ગ્રૂપને આશરે રૂ.3,000 કરોડમાં ખરીદશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ વિડિયોકોન ગ્રૂપ માટેની અનિલ અગ્રવાલની માલિકીની કંપની ટ્વીન સ્ટાર ટેકનોલોજી કરેલી રૂ.3,000 કરોડની ઓફરને માન્ય રાખી છે.
આ સોદો પૂર્ણ થશે ત્યારે તે નાદારીની પ્રક્રિયા હેઠળ અનિલ અગ્રવાલે સસ્તામાં ભાવમાં ભારતમાં ખરીદેલી ત્રીજી એસેટ હશે. અગાઉ તેમણે ઇલેક્ટ્રોસ્ટીલ સ્ટીલ અને ફેરો એલોય કોર્પોરેશન ખરીદી હતી. વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝના માથે વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ રૂ.૬૩,૫૦૦ કરોડથી વધુ દેવું હતું. જેમાંથી રૂ.૫૭,૪૦૦ કરોડ ૩૬ બેંકો અન્ય અન્ય ફાઈનાન્શિયલ ધિરાણદારોના લેણાં નીકળે છે. ભારતમાં કલર ટીવીના ઉત્પાદન માટેનું સૌથી પ્રથમ લાઇસન્સ વિડિયોકોન ગ્રૂપને મળ્યું હતું.
અગ્રવાલની ગયા ડિસેમ્બરની દરખાસ્તનો સ્વીકાર્ય કર્યા બાદ વિડિયોકોન ગ્રૂપના લેણદારોએ NCLTની મંજૂરી માગી હતી. વિડિયોકોન ગ્રૂપની 13 કંપનીઓ સામે નાદારીની પ્રોસેસ ચાલતી હતી. NCLTએ આ તમામ કંપનીઓને ભેગી કરીને એકસાથે મંજૂરી આપી હતી.
NCLTની આ મંજૂરી કેટલીક શરતોને આધિન છે. કન્ઝ્યુમર એપ્લાયન્સિસ અને ઓઇલ સહિતના બિઝનેસ ધરાવતું વિડિયોકોન ગ્રૂપ 2017માં નાદાર બન્યું હતું. વિડિયોકોન ગ્રૂપના પ્રમોટર ધૂત પરિવારે 13 કંપનીઓને નાદારીની કાર્યવાહીમાંથી બહાર લાવવા માટે ઓફર કરી હતી, પરંતુ ગ્રૂપના લેણદારોએ તેમની ઓફર ફગાવી દીધી હતી અને ટ્વીન સ્ટારની પસંદગી કરી હતી.
અનિલ અગ્રવાલ વિડિયોકોન ગ્રૂપ સાથે અગાઉથી જોડાયેલા હતા, કારણ કે તેમનું વેદાંત ગ્રૂપ રવ્વા ઓઇલ ફિલ્ડમાં 23 ટકા હિસ્સો ધરાવે છે. આ ઓઇલ ફિલ્ડ વિડિયોકોન ગ્રૂપની પણ હિસ્સો ધરાવે છે.તેનાથી ઓઇલ ફિલ્ડમાં વેદાંતનો હિસ્સો વધીને 48 ટકા થશે અને તે સૌથી મોટી શેરહોલ્ડર્સ બનશે. જાહેર ક્ષેત્રની કંપની ઓએનસીજી આ ઓઇલ ફિલ્ડમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. રવ્વા ઓઇલ ફિલ્ડમાં 2020ના નાણાકીય વર્ષમાં દરરોજ સરેરાશ 14,232 બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થયું હતું.
રસપ્રદ બાબત એ છે કે વેદાંતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ)ને ખરીદવાનો પણ રસ દર્શાવ્યો છે. સરકાર આ જાહેર ક્ષેત્રની કંપનીનો 53 ટકા હિસ્સો વેચવા માગે છે.