(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

વિક્કી કૌશલ પોતાની નવી ફિલ્મમાં એક ગાયકની ભૂમિકામાં દેખાશે. તેની સાથે આ ફિલ્મમાં માનુષી છિલ્લર પણ છે. જોકે હજી સુધી આ ફિલ્મના નામ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. ફિલ્મના ડાયરેક્ટર વિજયકૃષ્ણ આચાર્ય છે. સૂત્રોએ કહ્યું હતું કે, વિક્કીએ આ પહેલા 2015માં જુબાન નામની ફિલ્મ કરી હતી. તેની નવી ફિલ્મ એક મ્યુઝિકલ કોમેડી છે. જેમાં વિક્કીનું પાત્ર રમૂજી હશે. તે ભજન ગાતો હોય છે તેમજ ગંગા કિનારે આરતી પણ કરતો હોય છે. તેમાં ખાસ વાત એ છે કે, તે ભજનને ફિલ્મની ધૂનો પર ગાતો હોય છે. વિક્કીનું પાત્ર ભજન ગાયકનું છે જેમાં કોઇ હાસ્ય નથી.

આ ફિલ્મમાં માનુષીનું પાત્ર પણ સંગીતકારનું છે. પરંતુ તે લગ્નમાં અને બર્થ ડે પાર્ટીઓમાં ગાવા માટે જતી હોય છે. ફિલ્મમાં તેની ભૂમિકા આધુનિક દર્શાવવામાં આવી છે.

વિજયકૃષ્ણ આચાર્ય લાંબા સમય પછી પારિવારિક ફિલ્મ લઇને આવ્યા છે. ફિલ્મના શૂટિંગ માટે મુંબઇમાં જ બનારસની કોઠીઓનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે ઘરમાં મંદિર, તુલસી જેવી પવિત્ર ચીજવસ્તુઓ હોય તેવો સેટ બનાવામાં આવ્યો છે. આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે, અને હવે બાકીનું કામ ચાલી રહ્યું છે. કોરોનાને કારણે આ ફિલ્મનું 75 ટકા શૂટિંગ સ્ટૂડિયોમાં અને સેટ પર કરવામાં આવ્યું છે. મુંબઇના ગોરેગાંવના પોલીસ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં એક મોટો સેટ બનાવામાં આવ્યો હતો. જેમાં બનારસ માર્કેટ, ચોક વગેરે ઊભા કરવામાં આવ્યા હતા.