ભારતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે અને મતગણતરી પણ 6 ઓગસ્ટે થશે, એવી ચૂંટણીપંચે બુધવારે જાહેરાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો મતદાન કરતાં હોવાથી ભાજપના વડપણ હેઠળના એનડીએના ભાવિ ઉમેદવારના વિજયની પૂરી સંભાવના છે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ચૂંટણીનું જાહેરનામું 5 જુલાઈએ જારી કરાશે. આની સાથે ઉમેદવારીની પ્રક્રિયા ચાલુ થશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ રહેશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 20 જુલાઈ થશે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે.
હાલના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુની મુદત 10 ઓગસ્ટે પૂરી થાય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેનનો હોદ્દા પણ નિભાવતા હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાતામાં સંસદના બંને ગૃહના કુલ 788 સભ્યોનો સમાવેશ થાય છે. મતદાતા સંસદના બંને ગૃહના સભ્યો હોવાથી દરેક સાંસદના મતનુ મૂલ્યન એકસમાન રહેશે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ઓપન વોટિંગ નહીં થાય તથા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના કિસ્સામાં કોઇપણ સંજોગોમાં કોઇને પણ મતપત્રક દર્શાવી શકાશે નહીં. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદભવનમાં મતદાન થશે.