ભાજપ સામે વિરોધ પક્ષોમાં એકતા ન હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. મમતા બેનરજીના વડપણ હેઠળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ ઉપરાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં વોટિંગમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. ટીએમસી સાથે વિચારવિમર્શ કર્યા વગર વિપક્ષે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર પસંદ કર્યા હોવાથી પક્ષે આ નિર્ણય કર્યો છે. 6 ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએએ જગદીપ ધનખડ અને વિપક્ષ માર્ગરેટ આલ્વાને ઉમેદવાર બનાવ્યા છે. ટીએમસીના મહામંત્રી અભિષેક બેનરજીએ જણાવ્યું હતું કે એનડીએના ઉમેદવાર અને ખાસ કરીને જગદીપ ધનખડને સમર્થન આપવાનો સવાલ નથી. આજની બેઠકમાં ટીએમસીના નેતાઓએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.
ભાજપ પર આકરા પ્રહાર કરતાં ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 2024માં કેન્દ્રની સત્તામાંથી ભાજપ બહાર ફેંકાઈ જશે, કારણ કે તેને લોકસભામાં એકલા હાથે બહુમતી નહીં મળે. કોલકતામાં ટીએમસીની શહીદ દિન રેલીમાં જંગી મેદનીને સંબોધતા મમતાએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણી ભાજપ વિરોધી મતના મંત્ર પર લડાશે. હું વિશ્વાસપૂર્વક કહું છું કે ભાજપને એકલા હાથે બહુમતી નહીં મળે અને આવું બન્યા બાદ બીજા પક્ષો એક થઈને કેન્દ્રમાં સરકારની રચના કરશે.