યુકેમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને દેશ વિશેના દુષ્પ્રચારનો સામનો કરવાનો અનુરોધ કરતાં ભારતના વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી મૂલ્યમાં કોઇ ધોવાણ થયું નથી અને અને આ મૂલ્યો અગાઉ ક્યારેય ન હતાં તેટલા ખીલી રહ્યાં છે.
ધનખડ વેસ્ટમિંસ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના ઐતિહાસિક રાજ્યાભિષેક માટેમાં હાજર આપવા માટે લંડન આવ્યા હતા. નવી દિલ્હી જતા પહેલા ધનખડે શનિવારે સાંજે અહીં ભારતીય હાઈકમિશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં યુકે સ્થિત ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મેળાવડામાં ધનખડે કહ્યું હતું કે ભારતને તેમની સિદ્ધિઓ અને પ્રતિભા પર ગર્વ છે અને વિદ્યાર્થીઓએ દેશના ગુડવિલ એમ્બેસેડરની ભૂમિકા ભજવવી જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ભારત તેના પોતાના કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે વૈશ્વિક બાબતોમાં અંગે પોતાનું વલણ લેશે. ભારત એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે. ભારત કરતાં વિશ્વના કોઈપણ ભાગમાં અભિવ્યક્તિની વધુ સ્વતંત્રતા હોઈ શકે નહીં. આપણા દેશમાં લોકતાંત્રિક મૂલ્ય પ્રણાલીમાં કોઈ ઘટાડો થયો નથી. તે અગાઉ ક્યારેય ન હોય તેટલાં પ્રમાણમાં ખીલી રહી છે.
ભારત વિશેના દુષ્પ્રચારનો સામનો કરવાનો ઇન્ડિયન ડાયાસ્પોરાને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે જો તમને તે મંજૂર ન હોય, તો તમારે તેનો વિરોધ કરવો જ જોઇએ. જીવંત લોકશાહી અંગેના દુષ્પ્રચારની જો આપણે પ્રતિક્રિયા નહીં આપીએ તો તે રાષ્ટ્રવિરોધી પુરવાર થશે.
“ભારતની કુલ વસ્તીમાં વર્કિંગ લોકોનો હિસ્સો 2030 સુધીમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી જશે. તે 68.9 ટકા હશે. અન્ય કોઈ દેશ આવો દાવો કરી શકે તેમ નહીં… પારદર્શિતા અને જવાબદારી આની પાછળના મંત્રો છે. અમારા પાવર કોરિડોર, ગવર્નન્સ કોરિડોર સત્તાના દલાલોથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયા છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આપણું ડીએનએ એટલું મજબૂત છે કે આપણી બુદ્ધિક્ષમતા સામે કોઈ પડકાર નથી આપણે જ્યાં પણ જઈએ છીએ, આપણે અદભૂત રીતે સારું પ્રદર્શન કરીએ છીએ.