ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’ પાંચ વર્ષના વિરામ બાદ આવતા વર્ષે 11 થી 13 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરમાં આ સમિટ યોજાશે. સમિટ છેલ્લે 2019માં યોજાઇ હતી, જે દરમિયાન લગભગ 28,360 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સાધનોના જણાવ્યા અનુસાર, સમિટના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય વહીવટીતંત્ર દ્વારા VGGS 2024 ને પ્રમોટ કરવાની યોજનાની અંતિમ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રમોશન જુલાઈથી શરૂ થવાની યોજના છે. મુખ્ય મેટ્રોપોલિટન શહેરો તેમજ રાજ્યોની રાજધાનીમાં રોડ શો યોજશે.
10મી VGGSનું આયોજન જાન્યુઆરી 2022 માં કરવામાં આવ્યું હતું પરંતુ એ સમયે કોરોના કેસમાં વધારો થતા સમિટ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા આ વિશ્વિક રોકાણ સમિટ થઇ શકી ન હતી. આવતા વર્ષે આ સમિટનું આયોજન કરવા માટે રાજ્ય વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ થઇ રહ્યું છે. આ ઘટનાની યોજના ઘડવા રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બે ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજાઈ ચૂકી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મેગા ઇન્વેસ્ટમેન્ટ સમિટની 10મી આવૃત્તિમાં ભાગ લેવા માટે યુએસ, યુકે, જાપાન, જર્મની, નેધરલેન્ડ ઉપરાંત ગલ્ફ દેશો અને આફ્રિકન દેશો સહિત તમામ મુખ્ય અર્થતંત્રોનો સંપર્ક કરવામાં આવશે. સમિટ 2024ને પ્રમોટ કરવા માટે રાજ્ય સરકારે રૂ.127 કરોડનું બજેટ નક્કી કર્યું છે.
સમિટ 2019 દરમિયાન 135 દેશોમાંથી લગભગ 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. છ દેશોના વડાઓ ઉપરાંત વિવિધ રાષ્ટ્રોના સાત પ્રધાનોઓ અને 30 રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15 દેશોને સમિટ 2019ના ભાગીદાર દેશો બનાવવામાં આવ્યા હતા. દુનિયા ભરમાંથી ઉદ્યોગપતિઓ આ સમિટમાં હાજર રહ્યા હતા.