ગાંધીનગરમાં શુક્રવાર 12 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ભારત 10 વર્ષ પહેલા વિશ્વના નકશા પર “ડાર્ક સ્પોટ” હતું, પરંતુ હવે “વાયબ્રન્ટ સ્પોટ” બની ગયું છે. ત્રણ દિવસની સમીટમાં 41,299 પ્રોજેક્ટ માટે ₹26.33-લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતાં.
સમાપન સમારંભમાં અમિત શાહે જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં આપણે વિશ્વની પાંચ નાજુક અર્થવ્યવસ્થાનો ભાગ ગણાતા હતા. આજે આપણે ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છીએ. વૈશ્વિક નકશા પર ડાર્ક સ્પોટ ગણાતાં હતા આજે આપણે એક વાઇબ્રન્ટ સ્પોટ છીએ. એ જ રીતે આપણે એક મૌન વડાપ્રધાન (પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ તરફ ઈશારો કરીને)થી દૂરંદેશી અને ગતિશીલ વડાપ્રધાન (વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચવે છે) સુધીની 10 વર્ષની લાંબી સફર પૂર્ણ કરી છે.
દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહમાં સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતુ કે અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ભૌતિક રીતે સમાપન થયું છે, પરંતુ આ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું અદભુત સશક્તીકરણ પણ થયું છે. નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થામાં ભારત ૧૧મા ક્રમે હતું અને આજે ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે. આગામી સમયમાં ભારત ટોપ ૩માં સ્થાન પામશે એ નિશ્ચિત છે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે વૈશ્વિક રોકાણોને પરિણામલક્ષી રીતે ધરતી પર ઉતાર્યાં છે. ગુજરાતની આ સફળ સમિટના આયોજનનું દેશનાં અનેક રાજ્યો અનુકરણ કરી રહ્યાં છે. આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટ-વે ગુજરાત બન્યું છે. ૪ રાજ્યોના હેડ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ અને ૧૬ કન્ટ્રી પાર્ટનર્સની સહભાગિતા એ સ્વયં એક સફળ ગાથા છે. નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૭માં ગિફ્ટ સિટીનો મૂકેલો વિચાર આજે વટ વૃક્ષ બન્યો છે, એ જ રીતે ધોલેરા સર (SIR)ની શરૂઆત થઈ ત્યારે ટીકાકારો ટીકા કરતા હતા પરંતુ આજે પરિણામ આપણી સામે છે. માંડલ બેચરાજી આજે ઓટો હબ તરીકે ઉભર્યું છે તો દહેજમાં પેટ્રોકેમિકલ, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, વડોદરામાં બાયો ટેકનોલોજી પાર્કના નિર્માણના પગલે ગુજરાતમાં રોકાણોની સંભાવના વધી છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સફળતાપૂર્વક સંપન્ન થયેલી અમૃતકાળની આ પહેલી સમિટ દેશ અને દુનિયાની બિઝનેસ કમ્યુનિટી, થોટ લીડર્સ, પોલિસી મેકર્સ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામુહિક કેન્દ્ર બની છે. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાયેલી આ સમિટ નવા યુગના ઊભરતા સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇ.વી., એરોસ્પેસ અને ડિફેન્સ ઇક્વીપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ માટે ઉદ્દીપક બની છે.