ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ ગાંધીનગરમાં યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નવી સરકારનુ ફોક્સ રોજગાર પર હશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વખતે તા. 9થી તા.13મી જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય તેવી સંભાવના છે.
કોરોનાને કારણે ગત વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ શકી ન હતી. આ વખતે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના ઘણી ઓછી છે. પાંચ કરોડથી વધુ લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે ત્યારે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા તૈયારીઓ આરંભી છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે જ વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આગમન કરી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલાં જ યુકે અને બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વૈપાર ઉદ્યોગ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને પણ બંને રાજદૂતોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું. અત્યારે ઉદ્યોગભવનમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજવા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.