કોવિડના વધતા કેસના કારણે ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો રદ કરવો પડ્યો, પરંતુ તેના કારણે 250થી 300 કરોડ રૂપિયાનું રોકાણ પાણીમાં ગયું હતું.આ કાર્યક્રમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેડ શો માટે કુલ રૂ. 250થી 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને જે કંપનીઓ આ ટ્રેડ શો સાથે સંકળાયેલી હતી તેમણે મોટી ખોટ ખાવાનો વારો આવ્યો હતો. નાના વેન્ડરો આ મેગા એક્ઝિબિશન ઇવેન્ટ માટે પોતાના પેવિલિયન સ્થાપી રહ્યા હતા, પરંતુ છેલ્લી મિનિટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાથી તેમને મોટો ફટકો પડયો હતો.
આ ટ્રેડ શો નવમી જાન્યુઆરીથી શરૂ થવાનો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અગાઉ ટ્રેડ શો યોજવાનું આયોજન હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.એક ડિઝાઇન કંપનીના પ્રમોટરે જણાવ્યું કે, અમે બે કોર્પોરેટ માટે થિમ પેવિલિયન ડિઝાઇન કરીને તૈયાર કર્યા હતા. અમારું કામ હજુ અડધું થયું હતું ત્યાં ટ્રેડ શો રદ કરવાની જાહેરાત થઈ ગઈ. અમારા અધુરા કામ માટે અમને કોણ ચુકવણી કરશે? અમારે તાત્કાલિક જગ્યા ખાલી કરવાની હોવાથી અમારો પ્રોજેક્ટ અમે વિખેરી નાખ્યો છે.
આ ટ્રેડ શોનું આયોજન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી ચાલનારા આ એક્ઝિબિશનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હતું. બે લાખ ચોરસ મીટરથી મોટા વિસ્તારમાં અહીં વિવિધ સેક્ટરના પ્રોજેક્ટ રજુ થવાના હતા.