India Visa Application Center launched in Marylebone, VFS Global for Indian visas

ભારત જવા માટેની વિઝા અરજીઓની માંગના વધારાને પહોંચી વળવા માટે વિશ્વભરમાં સરકારો અને રાજદ્વારી મિશન માટે કામ કરતા અગ્રણી આઉટસોર્સિંગ અને ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઇડર VFS ગ્લોબલ દ્વારા સેન્ટ્રલ લંડનમાં બોસ્ટન પ્લેસ, મેરીલેબોનમાં એક નવા જ ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટરનો મંગળવાર તા. 1 નવેમ્બરના રોજ યુકેમાં ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ શુભારંભ કર્યો હતો.

આ ઈન્ડિયા વિઝા એપ્લીકેશન સેન્ટર (IVAC) દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદો ખુલ્લી કરાયા બાદ અને કોવિડ ગાઇડલાઇનમાં અપાયેલી છૂટછાટને પગલે ઉભી થયેલી વિઝા અરજીઓની માંગનો હલ લાવવામાં મદદ કરશે. આ નવું સેન્ટર લંડનમાં કામ કરતું ત્રીજું IVAC સેન્ટર હશે. VFS ગ્લોબલ યુકેમાં બેલફાસ્ટ, બર્મિંગહામ, બ્રેડફર્ડ, કાર્ડિફ, એડિનબરા, ગ્લાસગો, સેન્ટ્રલ લંડન, હન્સલો, લેસ્ટર અને માન્ચેસ્ટરમાં મળીને દસ IVACનું નેટવર્ક ચલાવે છે.

આ સાથે VFS ગ્લોબલે વધુ એપોઇન્ટમેન્ટ્સ માટેના સ્લોટ્સ પણ શરૂ કર્યા છે તો લંડન અને બર્મિંગહામમાં હાલના IVAC ખાતે શનિવાર અને વીકડેઝ દરમિયાન બપોરે અરજીઓ મેળવવાનું શરૂ કર્યું છે. આગામી માર્ચથી, VFS ગ્લોબલે સમગ્ર યુકેમાં વિકેન્ડ દરમિયાન કોન્સ્યુલર કેમ્પ સ્થાપવા માટે લંડનમાં ભારતના હાઈ કમિશનર અને કોન્સ્યુલેટ્સ સાથે ભાગીદારી કરી છે. જે વર્તમાન ક્ષમતાને બમણી કરશે અને VFS ગ્લોબલ ભારતીય હાઈ કમિશનને વધુ એપોઇન્ટમેન્ટ આપવા માટે મદદ કરી શકશે.

ભારતીય હાઈ કમિશનર, વિક્રમ દોરાઈસ્વામીએ શુક્રવારે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “અમારા દ્નારા અપાતી એપોઇન્ટેમેન્ટની સંખ્યા વધીને દર મહિને લગભગ 40,000 થઈ છે. આ માટે અમારા ભાગીદાર , VFS ગ્લોબલનો આભાર.”

શ્રી દોરાઈસ્વામીએ ગૃપ ટૂરીઝમ માટેની એક નવી પ્રોસેસની પણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘’એક જ ટ્રાવેલ એજન્સી દ્વારા સમાન ફ્લાઇટનો ઉપયોગ કરીને સમાન સ્થળે જનાર ગૃપના યુ.કે.ના પ્રવાસીઓને ‘વિઝા એટ યોર ડોરસ્ટેપ’ (VAYD) સર્વિસનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાં ટૂરીસ્ટના

ઘરેથી જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી તેને પ્રોસેસ કરી તેમને ઘરે પરત આપવામાં આવશે. તેમાં મદદ કરવા સર્વિસ પ્રોવાઇડર VFS ગ્લોબલ દ્વારા અરજદારના ડોક્યુમેન્ટ્સ થોડી ફી લઇને ફોર્મ ભરવા સાથે ઓનલાઈન ચેક કરી આપશે.”

નવા સેન્ટર વિશે બોલતા, VFS ગ્લોબલના COO, આદિત્ય અરોરાએ જણાવ્યું હતું કે, “નવું VAC વધારાના એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ આપીને લંડનમાં ભારતની વિઝા અરજીઓની ક્ષમતા વધારશે. આ સાથે ગ્લાસગોમાં તાજેતરમાં ખોલવામાં આવેલ વિઝા સેન્ટર VFS ગ્લોબલ દ્વારા સંચાલિત વિઝાની ક્ષમતાને બમણી કરશે. અમે હંમેશા ગ્રાહકોના અનુભવોને સુધારવા અને તકલીફોનો અંત લાવવા માટે વ્યવહારુ ઉકેલો શોધવાનું વિચારીએ છીએ. અમે જેમની સાથે કામ કરીએ છીએ તે વિવિધ દેશોની સરકારો માટે વિઝા અરજીઓ સંબંધિત બિન-જજમેન્ટલ અને વહીવટી કાર્યોનું સંચાલન કરતા જવાબદાર સર્વિસ પ્રોવાઇડર તરીકે, અમે વિઝા અરજદારોને સીમલેસ વિઝા એપ્લિકેશનનો અનુભવ કરાવવા સાથે મદદ કરવા લંડનમાં ભારતના હાઈ કમિશનર સાથે મળીને પગલાં લીધાં છે.”

LEAVE A REPLY