ભારતનાં પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં વિવિધ કેટેગરીમાં 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. આ અવસરે હિન્દી ફિલ્મોના પીઢ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ એનાયત કર્યો હતો. આ નિમિત્તે પ્રેસિડેન્ટ મુર્મુએ 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે પેઢીની અમારી બહેનોએ અનેક અવરોધો છતાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે.
શ્રીમતી પારેખનું સન્માન એ અદમ્ય સ્ત્રી શક્તિ માટેનું સન્માન પણ છે. ફિલ્મો બનાવવા ઉપરાંત એક સારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં ફિલ્મ ઉદ્યોગ મુખ્ય ભૂમિકા ભજવે છે. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ હોવાને કારણે ફિલ્મોનો પ્રભાવ કલાના અન્ય માધ્યમો કરતાં વધુ વ્યાપક છે. તેમણે વધુમાં કહ્યું કે, સિનેમા માત્ર એક ઉદ્યોગ જ નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની કલાત્મક અભિવ્યક્તિનું માધ્યમ પણ છે. તે આપણા સમાજને જોડવાનું અને રાષ્ટ્ર નિર્માણનું પણ એક માધ્યમ છે.