વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં વીર સાવરકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી (ANI Photo)

વીર સાવરકરને રવિવાર, 28મેએ તેમની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વીર સાવરકરના વ્યક્તિત્વમાં મક્કમતા અને ઉદારતાનો સમાવેશ થતો હતો. તેમના નીડર અને સ્વાભિમાની સ્વભાવને ગુલામીની માનસિકતા જરા પણ ગમતી ન હતી.

વડાપ્રધાન મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ જૂના સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં વીર સાવરકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પોતાના 101મી ‘મન કી બાત’ કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે તેમનું બલિદાન, હિંમત અને દ્રઢનિશ્ચય આપણને સતત પ્રેરણા આપે છે. મોદીએ સંત કવિ કબીરને પણ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે આ ગૂઢ કવિએ લોકોને વિભાજિત કરતી દરેક દુષ્ટપ્રથાનો વિરોધ કર્યો હતો અને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. કબીરની જન્મજયંતિ 4 જૂને આવે છે.

વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે 28મેએ મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મજયંતિ છે. તેમના બલિદાન, હિંમત અને સંકલ્પ સાથે જોડાયેલી વાર્તાઓ આજે પણ આપણને બધાને પ્રેરણા આપે છે. હું તે દિવસ ભૂલી શકતો નથી, જ્યારે મે આંદામાનની જેલની મુલાકાત લીધી હતી, જ્યાં વીર સાવરકરે ‘કાળા પાણી’ની કાપી રહ્યાં હતા.

મોદીએ જણાવ્યું હતું કે વીર સાવરકરના વ્યક્તિત્વમાં તાકાત અને ઉદારતા હતી. તેમનો નિર્ભય અને સ્વાભિમાની સ્વભાવ ગુલામીની માનસિકતાને જરાય સહન કરી શકતો ન હતો. માત્ર સ્વતંત્રતા ચળવળમાં જ નહીં, વીર સાવરકરે સામાજિક સમાનતા અને સામાજિક ન્યાય માટે જે કંઈ કર્યું તે આજે પણ યાદ કરવામાં આવે છે.

‘મન કી બાત’ સંબોધનમાં મોદીએ એનટી રામારાવને પણ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે તેમણે રાજકારણ અને ફિલ્મ ઉદ્યોગમાં તેમની અદભૂત પ્રતિભાના બળ દ્વારા અમીટ છાપ છોડી છે. આજે NTRની 100મી જન્મજયંતિ છે. બહુમુખી પ્રતિભાના બળ પર તેઓ માત્ર તેલુગુ સિનેમાના સુપરસ્ટાર બન્યા જ નહીં, પરંતુ કરોડો લોકોના દિલ પણ જીત્યાં હતા. તેમણે પોતાના અભિનયના આધારે અનેક ઐતિહાસિક પાત્રોને જીવંત કર્યા હતા. ભગવાન કૃષ્ણ, રામ અને અન્ય ઘણી હસ્તીઓની ભૂમિકામાં NTRનો અભિનય લોકોને એટલો ગમ્યો કે તેઓ હજી પણ તેમને યાદ કરે છે.

LEAVE A REPLY