લંડનમાં રહેતા અને એક દુર્લભ રોગથી પીડાતા માત્ર ચાર વર્ષના ગુજરાતી બાળક વીરને સ્ટેમ સેલ ડોનરની જરૂર પડી છે. નટખટ અને પહેલી જ નજરે મન મોહી લે તેવા વીરને ફેન્કોની એનિમિયા નામના ખૂબ જ દુર્લભ આનુવંશિક વિકારનું નિદાન થયું છે. તે રેર વારસાગત રોગ છે અને મુખ્યત્વે બોન મેરોને અસર કરે છે.
આ રોગના કારણે તમામ પ્રકારના લોહીના કોષોનું ઉત્પાદન ઘટાવા લાગે છે અને તે એપ્લેસ્ટિક એનિમિયાનું સૌથી સામાન્ય વારસાગત સ્વરૂપ છે. આ સ્થિતિ ધરાવતા લોકોમાં બોન મેરોની નિષ્ફળતા, શારીરિક ખોડ, અંગોની ખામી અને કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ વધી શકે છે.
વીરના માતાપિતાએ જણાવ્યું હતું કે ‘’આ બીમારીને દૂર કરવા વીરને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. દુર્ભાગ્યે, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રજિસ્ટર પર તેના પૂરતા દાતાઓ નથી. વીરની સ્થિતિ અમારી ધારણા કરતા વધુ ઝડપથી બગડતા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. અમે આ અંગે જાગૃતિ લાવવા અને સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રેશન વધારવા માટે 2018થી અભિયાન ચલાવી રહ્યા છીએ. વીર ભારતીય હોવાથી તેના માટે મેચિંગ સ્ટેમ સેલ ડોનર શોધવાનું પણ વધુ મુશ્કેલ છે. સાઉથ એશિયન બેકગ્રાઉન્ડના વધુ લોકો પોતાના નામની નોંધણી કરાવે તે જરૂરી છે.”
વધુ વિગતો માટે જુઓ: www.helpveernow.org