અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડ અને તાઇવાની ઇલેક્ટ્રોનિક કંપની ફોક્સકોનના સંયુક્ત સાહસે રૂ.1,54,000 કરોડ (આશરે 20 બિલિયન ડોલર)ના સેમિકન્ડકટર પ્રોજેક્ટ માટે મંગળવાર, 13 સપ્ટેમ્બરે ગુજરાત સરકાર સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. વેદાંતે તાઇવાનની ફોક્સકોન સાથે સંયુક્ત સાહસમાં આ પ્રોજેક્ટ્સ સ્થાપવાની યોજના બનાવી છે. આ પ્લાન્ટ મેળવવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલતી હતી અને ગુજરાતને મોટી સફળતા મળી છે.
ગાંઘીનગર ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વેદાંત ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ અને ફોક્સકોન ગ્રૂપના વાઇસ પ્રેસિડન્ટ બ્રાયની હાજરીમાં સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર વતી સમજૂતી પર હસ્તાક્ષર કરનારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ વિજય નહેરાએ જણાવ્યું હતું કે આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કોર્પોરેટ રોકાણ છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વેદાંત-ફોક્સકોન ગુજરાતમાં પ્રોજેક્ટ્સ નાંખવા માટે રૂ.1,54,000 કરોડનું રોકાણ કરશે અને તેનાથી રોજગારીની એક લાખ તકનું નિર્માણ થશે.
વેદાંતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકાર પાસેથી મૂડીખર્ચ અને સસ્તી વીજળી સહિતની નાણાકીય અને બિન નાણાકીય સબસિડી મેળવે છે. આ પ્રોજેક્ટમાં અમદાવાદ નજીક ડિસ્પ્લે અને સેમિકન્ડક્ટર ફેસિલિટીનો સમાવેશ થાય છે.આ પ્રોજેક્ટથી ઓટોમોબાઈલની જેમ સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં પણ ગુજરાતનું નામ મોખરે રહેશે. ક્લિન એનર્જીની જેમ સેમીકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત નંબર વન બનવાની યોજના ધરાવે છે.
વેદાંત જૂથ પોતાના પ્રોજેક્ટ માટે ઘણા સમયથી લોબિંગ કરી રહ્યું હતું અને કેટલીક છૂટછાટોનો આગ્રહ રાખ્યો હતો. આ પ્લાન્ટ માટે વેદાંતે 99 વર્ષની લીઝ પર 1000 એકર (405 હેક્ટર) જમીન મફતમાં માંગી હતી. આ ઉપરાંત 20 વર્ષ માટે પાણી અને વીજળી પણ એકદમ નીચા અને ફિક્સ ભાવે આપવામાં આવે તેવી માંગણી કરી હતી.
સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ એ કોઈ પણ ઔદ્યોગિક રાજ્ય માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણવામાં આવે છે. તેના માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટક પણ હરીફાઈમાં હતા. ભારતમાં 2020માં સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું કદ 15 બિલિયન ડોલર હતું, જે 2026 સુધીમાં 63 બિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.