Vedanta selects Gujarat for $20 billion semiconductor project
મુંબઈમાં વેદાંતનું હેડક્વાર્ટર REUTERS/Danish Siddiqui/File Photo

અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે તેના 20 બિલિયન ડોલરના સેમિકન્ડકટર પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર પસંદગી ઉતારી છે, એમ રોઇટર્સના અહેવાલમાં બે સૂત્રોને ટાંકીને સોમવારે જણાવાયું હતું. વેદાંતે તાઇવાનની ફોક્સકોન સાથે સંયુક્ત સાહસમાં આ પ્રોજેક્ટ્સ સ્થાપવાની યોજના બનાવી છે. આ પ્લાન્ટ મેળવવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલતી હતી અને ગુજરાતને મોટી સફળતા મળી છે.

આ ગતિવિધિથી વાકેફ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે વેદાંતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકાર પાસેથી મૂડીખર્ચ અને સસ્તી વીજળી સહિતની નાણાકીય અને બિન નાણાકીય સબસિડી મેળવે છે. આ પ્રોજેક્ટમાં અમદાવાદ નજીક ડિસ્પ્લે અને સેમિકન્ડક્ટર ફેસિલિટીનો સમાવેશ થાય છે. આ વિશે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.વેદાંત કે ફોક્સકોનના પ્રવક્તાએ હજુ આ વિશે ટિપ્પણી કરી નથી. ગુજરાત સરકારે પણ હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

જો આ પ્રોજેક્ટ સ્થાપાશે તો ઓટોમોબાઈલની જેમ સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં પણ ગુજરાતનું નામ મોખરે રહેશે. ક્લિન એનર્જીની જેમ સેમીકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત નંબર વન બનવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેદાંત અને તાઈવાનની ફોક્સકોન સાથે મળીને સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરવાની છે.

વેદાંત જૂથ પોતાના પ્રોજેક્ટ માટે ઘણા સમયથી લોબિંગ કરી રહ્યું હતું અને કેટલીક છૂટછાટોનો આગ્રહ રાખ્યો હતો. આ પ્લાન્ટ માટે વેદાંતે 99 વર્ષની લીઝ પર 1000 એકર (405 હેક્ટર) જમીન મફતમાં માંગી હતી. આ ઉપરાંત 20 વર્ષ માટે પાણી અને વીજળી પણ એકદમ નીચા અને ફિક્સ ભાવે આપવામાં આવે તેવી માંગણી કરી હતી. સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકાર અને વેદાંત વચ્ચે એક ઔપચારિક સમજૂતિપત્ર પર સહી થાય ત્યાર પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ એ કોઈ પણ ઔદ્યોગિક રાજ્ય માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણવામાં આવે છે. તેના માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટક પણ હરીફાઈમાં હતા. વેદાંત-ફોક્સકોનનો મેગા પ્રોજેક્ટ મળે તો કોઈ પણ રાજ્યને પોતાની છબિ સુધારવામાં મદદ મળી શકે છે. વાતચીતના છેલ્લા રાઉન્ડમાં ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું અને સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ મેળવ્યો છે.

ભારતમાં 2020માં સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું કદ 15 બિલિયન ડોલર હતું, જે 2026 સુધીમાં 63 બિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ભારતે અત્યારે સેમીકન્ડક્ટર ચિપ માટે આયાત પર આધાર રાખવો પડે છે. આ ક્ષેત્રે તાઈવાન પહેલેથી અગ્રણી છે. પરંતુ હવે ભારત પણ ટોચની કંપનીઓને સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરવા માટે આકર્ષી રહ્યું છે. વેદાંત જૂથ ઓઈલથી લઈને મેટલ સુધીના સેક્ટરમાં હાજરી ધરાવે છે અને હવે તે ચિપ ઉત્પાદનના ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે.

LEAVE A REPLY