તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે વેદાંત ગ્રૂપની કંપની હિન્દુસ્તાન ઝિન્કના સૂચિત ઝિન્ક સ્મેલ્ટર પ્લાન્ટના મુદ્દે સોમવારે પ્રદૂષણ અંગેની જાહેર સુનાવણી દરમિયાન થયેલી હિંસામાં આશરે એક ડઝન આદિવાસીઓને ઇજા થઈ હતી. પથ્થરમારામાં પોલીસના પાંચ જવાનોને પણ ઇજા થઈ હતી. પોલીસે લોકોને વિખેરવા માટે ટીયર ગેસના 30 સેલ છોડ્યા હતાા. આ પ્લાન્ટથી પ્રદૂષણ ફેલાવાની ચિંતાએ આશરે 91 ગામના આદિવાસીઓ તેનો વિરોધ કરી રહ્યાં છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં લોકોએ પોલીસ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો અને ગાડીઓમાં તોડફોડ કરી હતી. ત્યારે જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
11 વાગે શરૂ થયેલી જાહેર સુનાવણીમાં આજુબાજુના 45થી વધુ ગામોના લોકો વિરોધના બેનર સાથે ત્યાં ઉમટી પડ્યા હતા અને લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી. લોકોનો રોષ જોઈને વહીવટીતંત્ર દ્વારા આ સુનાવણી મોકૂફ રાખી હતી. પરંતુ સુનાવણી મોકૂફ રાખ્યા બાદ ત્યાં ચક્કાજામ કર્યો હતો. જેથી પોલીસે તેઓને હટાવવા માટે કામગીરી શરૂ કરી હતી, પરંતુ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને ત્યાં ઉભી રહેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા.
રાજ્ય સરકારે ગયા વર્ષના ઓક્ટોબરમાં ડોસવાડામાં 415 એકર જમીનમાં રૂ.10,000 કરોડના રોકાણ સાથે ઝિન્ક સ્મેલ્ટર કોમ્પ્લેક્સ સ્થાપવા માટે હિન્દુસ્તાન ઝિન્ક સાથે સમજૂતી કરી હતી.