અમેરિકાના પદનામિત પ્રેસિડેન્ટ જો બિડેન આવતા મહિને પોતાની નવી જવાબદારી સંભાળશે. પરંતુ તેમણે પોતાની ટીમના સભ્યોને જવાબદારીઓ સોંપવાનું શરૂ કર્યું છે. તેમણે શનિવારે વ્હાઇટ હાઉસમાં કમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના 16 સભ્યોના નિમણૂકની જાહેરાત કરી છે. જેમાં ઇન્ડિયન અમેરિકન વેદાંત પટેલની આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી તરીકે વરણી કરી છે.
વેદાંત પટેલ અત્યારે બિડેનની ટીમના સીનિયર સ્પોકપર્સન છે અને બિડેનની ચૂંટણી પ્રચાર ટીમના મહત્વનો ભાગ રહ્યા છે. ચૂંટણી કેમ્પેઇન દરમિયાન વેદાંતે ઇન્ડિયન કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી હતી, પત્ની સાથે વોશિંગ્ટન ડીસીમાં જ રહે છે.
આ અગાઉ તેમણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વેસ્ટર્ન રીજનલ પ્રેસ સેક્રેટરી, ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવૂમન પ્રમિલા જયપાલ અને કોંગ્રેસમેન માઇક હોન્ડાના કમ્યુનિકેશન ડાયરેકટર તરીકે પણ કામ કર્યુ છે.
ભારતમાં જન્મેલા અને કેલિફોર્નિયામાં ઉછરેલા વેદાંત પટેલે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરાસાઇડ અને ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.