અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંતા લિમિટેડે તમિલનાડુમાં તુતિકોરિન ખાતે આવેલા તેના સ્ટરલાઇટ કોપર પ્લાન્ટને વેચવા માટે રસ ધરાવતા નાણાકીય રીતે સમક્ષમ પક્ષો પાસેથી ઇરાદાપત્ર મંગાવ્યા છે.
ઇરાદાપત્ર સબમિટ કરવાનો છેલ્લો દિવસ 4 જુલાઈ છે. વેદાંતા એક્સિસ કેપિટલ સાથે મળીને બિડ આમંત્રિત કરી છે. સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ વર્ષ 2018માં વિવાદમાં આવ્યો હતો. તે સમયે પોલીસ ગોળીબારમાં 13 લોકો માર્યા ગયા હતા અને લગભગ 102 ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સ્મેલ્ટર અને રિફાઇનિંગ કોમ્પ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યું હતું. સ્ટરલાઇટ કોપરએ દાવો કર્યો હતો કે તેના તુતિકોરિન પ્લાન્ટમાં ઉત્પાદન બંધ થવાથી દેશને 1.2 બિલિયન ડોલરથી વધારે નુકસાન થયું છે.
વેદાંતના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તુતિકોરિન પ્લાન્ટ રાષ્ટ્રીય સંપત્તિ છે, જે આપણા દેશની કોપરની આશરે 40 ટકા માગ પૂરી કરે છે અને કોપર ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દેશ અને તમિલનાડુના લોકોના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને અમે એવો વિકલ્પો ચકાસી રહ્યાં છીએ કે જેનાથી આ પ્લાન્ટ અને એસેટનો શ્રેષ્ઠ ઉપયોગ થાય.