અમદાવાદ શહેરની નજીક આવેલા વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે મંગળવારે રાત્રે એક વાગ્યે બે કેમિકલ ફેક્ટરીમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ નથી. જોકે ભીષણ આગને કારણે આશરે 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા હતા અને એક ટ્રેક સળગી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, આશરે છ કંપનીમાં આગ ફેલાઈ હતી. ફાયરબ્રિગેડે બ્રિગેડના 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યાં હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગની ઘટનામાં હજુ સુધી જાનહાનિના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આ આગ એટલી ભીષણ હતી કે તેના આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. આ કેમિકલ કંપનીઓમાં આગ લાગવાને કારણે અંદર રહેલા કેમિકલના જથ્થામાં અનેક ધડાકાઓ પણ થયા હતા જે ઇસનપુર સુધી સંભળાયા હતા અને તેનાથી આસપાસના સ્થાનિકોમાં પણ ઘણો ફફડાટ ફેલાયો હતો. આસપાસના લોકો આ પ્રચંડ ધડાકાને કારણે ઉંઘમાંથી જાગી ગયા હતા.