ઑડબીમાં રહેતા અને વર્ષો દરમિયાન £241,000ના વેટ કૌભાંડના ગુનામાં દોષિત ઠેરવાયા બાદ જેલ ટાળવા આશરે 20 વર્ષ પહેલાં પાકિસ્તાન ભાગી ગયેલા સૈયદ અસગર અને તેની પત્ની અઝરાના £ 200,000ની ગુપ્ત પેન્શન પોલીસીની ભાળ મળી છે.
હાઈકોર્ટના એક જજ સમક્ષ સુનાવણીમાં જણાવાયું હતું કે નાસી છૂટેલા દંપતી દ્વારા ચૂકવવામાં આવેલા મોટાભાગના નાણાં હવે પરત મેળવવામાં સક્ષમ થવાની આશા છે.
લેસ્ટરની કંપની, ક્રાઉન વીડિયોમાં ભાગીદાર રહીને કામ કરતા દંપત્તીએ શહેરની ક્રાઉન કોર્ટમાં થનારી સુનાવણી ટાળવા માટે જુલાઈ, 2002માં બ્રોડવે, ઑડબીમાં આવેલા ભાડેના મકાનમાંથી ભાગી છૂટ્યા હતા. તેઓ ઑક્ટોબર 1994 અને એપ્રિલ 1999ની વચ્ચે VATના £241,000ની ગફલત બદલ તેમની ગેરહાજરીમાં દોષી સાબિત થયા હતા.
હાઈકોર્ટની સુનાવણીમાં, ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસનું પ્રતિનિધિત્વ કરનાર બેરિસ્ટર ગેરી પોન્સે શ્રીમતી જસ્ટિસ થોર્ન્ટનને કહ્યું હતું કે ‘’સૈયદ અને અઝરા દ્વારા લેવાયેલી લગભગ £200,000ની કિંમતની ત્રણ પેન્શન પોલિસી શોધી કાઢવામાં આવી છે. જજે પોલીસીના નાણાં વસુલ કરવા “એન્ફોર્સમેન્ટ રીસીવર”ની નિમણૂક કરી હતી.
તેમની કંપની શહેરના વિવિધ આઉટલેટ્સના વીડિયો ખરીદવા, વેચવા અને ભાડે લેવામાં સામેલ હતી. 1980ના દાયકામાં, £5 મિલિયનના વાર્ષિક ટર્નઓવર સાથે આ વ્યવસાય ઝડપથી વિસ્તર્યો હતો. પરંતુ કંપનીનો નફો ઓછો થયો હોવા છતાં તેમણે ટેક્સ ભરવાનું ટાળવા માટે કૌભાંડનો આશરો લીધો હતો.