તમિલનાડુના કુન્નૂર ખાતે 8 ડિસેમ્બરે મિલિટરી હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ બુધવારે અવસાન થયું હતું.. આ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાર (સીડીએસ) બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત 13 લોકોના અવસાન થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર વરૂણ સિંહ જ બચ્યા હતા, પરંતુ બુધવારે તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમના નિધન પર દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.
આઈએએફએ ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતીય એરફોર્સને એ જણાવતા ખૂબ જ દુખ થઈ રહ્યું છે કે, ગ્રુપ કેપ્ટનનું આજે સારવાર દરમિયાન અવસાન થયું છે. તેઓ 08 ડિસેમ્બર, 2021ના રોજ થયેલી દુર્ઘટનામાં એકલા જીવીત બચ્યા હતા. એરફોર્સ ઓફિસર તેમના અવસાન પર સંવેદનાઓ વ્યક્ત કરે છે અને તેમના પરિવાર સાથે મજબૂતાઈથી ઉભા છે.
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ યુપી ખાતે દેવરિયાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી હતા. વેલિંગ્ટન ખાતે આવેલી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બેંગલુરૂ અને પુણેના ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા હતા. વરૂણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનના બેચમેટ હતા. અભિનંદન વર્ધમાને જ 27 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારતની સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાની વિમાનોને ખદેડ્યા હતા.
કેપ્ટન વરૂણ સિંહનો જન્મ દિલ્હી ખાતે થયો હતો. તેમની ઉંમર 42 વર્ષ હતી. તેમના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ પદેથી રિટાયર્ડ થયા હતા. વરૂણના નાના ભાઈ તનુજ સિંહ મુંબઈ ખાતે નેવીમાં છે. તેમના પત્નીનું નામ ગીતાંજલિ, દીકરાનું નામ રિદ રમન અને દીકરીનું નામ આરાધ્યા છે.