ઉઝબેકીસ્તાનના સમરકંદમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન ભારતના વારાણસી શહેરને 16 સપ્ટેમ્બરે સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વારાણસી નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર પણ છે.
આ નામાંકનથી ભારત અને SCO સભ્ય દેશો વચ્ચે પ્રવાસન, સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહન અપાશે. તે SCO ના સભ્ય દેશો, ખાસ કરીને મધ્ય એશિયાઈ પ્રજાસત્તાક સાથે ભારતના પ્રાચીન સભ્યતાના સંબંધોને પણ રેખાંકિત કરે છે. આ મુખ્ય સાંસ્કૃતિક આઉટરીચ પ્રોગ્રામના માળખા હેઠળ, 2022-23 દરમિયાન વારાણસીમાં અનેક કાર્યક્રમો યોજાશે, જેમાં SCO સભ્ય દેશોમાંથી મહેમાનોને ભાગ લેવા માટે આમંત્રિત કરાશે. આ ઈવેન્ટ્સ ઈન્ડોલોજિસ્ટ્સ, વિદ્વાનો, લેખકો, સંગીતકારો અને કલાકારો, ફોટો જર્નાલિસ્ટ્સ, ટ્રાવેલ બ્લોગર્સ અને અન્ય આમંત્રિત મહેમાનોને આકર્ષે તેવી અપેક્ષા છે. SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાનીના નામાંકન માટેના નિયમો 2021માં દુશાન્બે SCO સમિટમાં સંસ્કૃતિ અને પ્રવાસનના ક્ષેત્રમાં SCO સભ્ય દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અપનાવવામાં આવ્યા હતા.