વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પૂજાના હકોની માગણી કરતી પાંચ હિન્દુ મહિલાની પિટિશનની કાયદેસરતાને પડકારતી અંજુમન ઇસ્લામિયા મસ્જિદ કમિટીની અરજીને સોમવારે વારાણસી કોર્ટે ફગાવી દીધી હતી. આનો અર્થ એવો થાય છે કે આ સંકુલમાં હિન્દુ દેવતા અને મસ્જિદની બહારની દિવાલ પર શ્રીંગાર ગૌરીની પૂજા કરવાની પરવાનગી માગતી અરજીની સુનાવણી ચાલુ રહેશે.
વારાણસીના ડિસ્ટ્રિક્ટ કોર્ટ અજય ક્રિષ્ના વિશ્વેશાએ આ કેસની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે નિર્ધારિત કરી છે. 22 સપ્ટેમ્બરે દરરોજ પૂજા અંગેની વિનંતીની સુનાવણી થવાની ધારણા છે.
જ્ઞાનવાપી કેસમાં પિટિશનર સોહન આર્યાએ જણાવ્યું હતું કે કોર્ટનો ચુકાદો હિન્દુ સમુદાય માટે એક વિજય છે. તે જ્ઞાનવાપી મંદિરના શિલારોપણ સમાન છે. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે આ મસ્જિદ વકફ બોર્ડની પ્રોપર્ટી છે.
આ કેસની વિગત એવી છે કે પાંચ હિંદુ મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં હાજર હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની પરવાનગી માંગી છે. આ મહિલાઓ ખાસ કરીને દરરોજ શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની પરવાનગી માંગતી હતી. તેનો મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો. કોર્ટે અગાઉ મસ્જિદમાં સરવે કરાવ્યો હતો. આ સરવે દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરાયો હતો. જોકે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું.
હિંદુઓના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ મુસ્લિમ પક્ષ હવે ઉપરી અદાલતમાં તેને પડકાર આપી શકશે. મુસ્લિમ પક્ષ જિલ્લા કોર્ટના નિર્ણય વિરૂદ્ધ હાઈકોર્ટ જઈ શકે છે.21 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને વારાણસી પોલીસ કલમ 144 લાગુ કરવામાં આવેલી હતી.
કોર્ટના નિર્ણય પહેલા કાશીના મંદિરોમાં પૂજા-અર્ચના શરૂ થઈ હતી. મહાવીર મંદિરમાં પણ હવન-પૂજન કરવામાં આવ્યા હતા. લોકોમાં આ મામલે સુનાવણીને લઈને ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી હતી.કોર્ટના આ નિર્ણયની સાથે જ વારાણસીમાં હર-હર મહાદેવની ગૂંજ વ્યાપી હતી.