વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં ભાજપને ચૂંટણી મોરચે મોટો ફટકો પડ્યો છે. પક્ષને વિધાન પરિષદની ચૂંટણીમાં વારાણસી મત વિસ્તારની બે બેઠકો પર રવિવારે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને બેઠકો દસ વર્ષથી ભાજપ પાસે હતી. એક શિક્ષક માટે અને એક સ્નાતક માટે અનામત હતી. આ બંને બેઠકો પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને જીત મળી છે.
વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને 11 બેઠકો પૈકી ચાર પર, સપાને ત્રણ અને અપક્ષ ઉમેદવારને બે બેઠકો પર જીત મળી છે. હજી બે બેઠકના પરિણામ આવવાના બાકી છે. મોદીના મત વિસ્તારમાં સપાને બે બેઠકો પર મળેલી જીતથી ઘણાને આશ્ચર્ય થયુ છે.
ભારતમાં છ રાજ્યો એવા છે જ્યાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ એમ બે ગૃહની પરંપરા ચાલે છે. ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં 100 સભ્યો છે. આ પૈકીની 11 બેઠકો માટે એક ડિસેમ્બરે મતદાન થયુ હતુ. વિધાન પરિષદના આ સભ્યોનો કાર્યકાળ 6 મેના રોજ જ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ કોરોનાની મહામારીના કારણે ચૂંટણી સ્થગિત કરવી પડી હતી.