ડ્રગ ક્રૂઝ કેસની તપાસ કરી રહેલા એનસીબીના અધિકારી સમીર વાનખેડની પ્રથમ પત્નીના પિતાએ દાવો કર્યો હતો કે વાનખેડે પરિવાર ઇસ્લામ ધર્મ પાળે છે અને વાનખેડના પિતાનું નામ દાઉદ છે. પત્રકારો સાથે વાતચીત કરતાં ડો. ઝાહીદ કુરેશીએ જણાવ્યું હતું કે તેમની પુત્રી શબાનાએ સમીર વાનખેડે સાથે લગ્ન કર્યા ત્યારે વાનખેડે ઇસ્લામ ધર્મ પાળતા હતા અને ઘણીવાર મસ્જિદમાં જતા હતા. વાનખેડના બર્થ સર્ટિફેકેટ અંગેના વિવાદ બાદ તેમને ખબર પડી કે વાનખેડે હિન્દુ છે. અગાઉ મહારાષ્ટ્ર પ્રધાન નવાબ મલિકે પણ દાવો કર્યો હતો કે સમીર વાનખેડે જન્મે મુસ્લિમ છે, પરંતુ જાતિના પ્રમાણપત્ર સહિતના બનાવટી દસ્તાવેજથી હિન્દુ એસસી કેટેગરીમાં આવ્યા હતા.
દરમિયાન એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ભાવુક પત્ર લખીને જણાવ્યું હતું કે તેમના પરિવાર અને વ્યક્તિગત જીવન પરના હુમલાને પગલે તેમને ન્યાય આપવામાં આવે છે. તેમણે ટ્વીટર હેન્ડલ પર પત્ર પોસ્ટ કરીને મહારાષ્ટ્રના સીએમઓને ટેગ કર્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે મરાઠી વ્યક્તિ તરીકે હું તમારા પાસેથી ન્યાય માગું છે, કારણ કે મારી વ્યક્તિગત જીંદગીને વિવાદમાં ઘસેડવામાં આવી છે. જો સ્વ. બાલાસાહેબ ઠાકરે જીવતા આજે જીવતા હોત તેમણે મહિલાના સન્માન પરના આવા વ્યક્તિગત હુમલા સહન કર્યા ન હોત.