ગુજરાતમાં સોમવાર, 30 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસથી લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. સતત બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે મંગળવારે જણાવ્યું હતું કે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 251માંથી 155 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદની આશરે 52 ટકા ખાધ ધરાવતા રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ અને વાપીમાં મંગળવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી અને આશરે 12 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. ઉમરગામ તાલુકાના ઉમરગામ તાલુકાના સંજાણ, ફણસા, કરમબેલી, બિલિયા, ગોવાડા, ડહેલી માંડા, ખતલવાડા અને કલગામ સહિત 9 ગામમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 366 લોકોનું સ્થાનિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. વાપીમાં 6 ઈંચ, પારડીમાં 2 ઈંચ, કપરાડામાં 3 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
સુરત, બનાસકાંઠા, અંબાજી, માણસામાં પણ ભારે વરસાદ આવ્યો હતો અને તેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદ શહેરમાં સોમવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને સોમવાર અને મંગળવારે કેટલાંક વિસ્તારોમાં ઝાપડા પડ્યા હતા. વરસાદથી લોકોને ગરમી અને બફારાથી પણ રાહત મળી હતી.
અમદાવાદ, મહેસાણા, બહુચરાજી ગ્રામ્ય વિસ્તાર, મોડાસા, ગાંધીનગર, બનાસકાંઠા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી મહોલ સાથે નોંધપાત્ર વરસાદ થયો હતો. અમદાવાદના શીલજ, જગતપુર, સિંધુભવન રોડ, ઇસ્કોન, પકવાન સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં વરસાદ ચાલુ થતાં મંદિર પરિસરમાં ભક્તો આનંદિત થઇ ગયા હતા. રવિવારે રાત્ર વડોદરામાં પણ આશરે ત્રણ ઊંચ વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં હાઇ એલર્ટ
સોમવારે હવામાન વિભાગ આગાહી કરી હતી કે ચાર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ સહિતના ત્રણ જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ માટે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે.
મહેસાણામાં વીજળી પડતાં બેના મોત
મહેસાણા જિલ્લાના ગણપતપુરા ગામમાં સોમવારની રાત્રે વીજળી પડતાં બે વ્યક્તિના મોત થયા હતા. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક મહિલા અને એક યુવાનનું મોત થયું હતું. ખેતરમાં ઘર બનાવીને રહેતી યુવતી અને યુવાન ઉપર વીજળી પડી હતી. યુવક-યુવતીના મોતને પગલે આખા ગામમાં શોકની લાગણી ફરી વળી છે.
રાજ્યમાં આ વર્ષ ચોમાસાની સિઝન નબળી રહી હતી અને 30 ઓગસ્ટ સુધી આશરે 52 ટકાની ઘટ હતી. રાજ્યમાં 29 ઓગસ્ટ સુધીમાં જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો હતો. ગુજરાતમાં થતાં સરેરાશ 840 મિમી સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો હતો.