ઇસ્ટર્ન યુગાન્ડાના ટોરોરોમાં આરોગ્ય અને શિક્ષણ માટે નાણાં એકત્ર કરવા કાર્ડિફની મર્ક્યુરી હોટેલમાં Vale4Africa ચેરિટીના ટ્રસ્ટી પ્રોફેસર ડો. હસમુખ શાહ, બીઈએમ દ્વારા ફંડ રેઈઝિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ દાતાઓએ હાજરી આપી ટોરોરોમાં વેલની પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે £1,610 પાઉન્ડ એકત્ર કર્યા હતા.
આ ચેરીટી એડવાન્સમેન્ટ ફોર કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ ઇન ટોરોરો (ACET) નામની ભાગીદાર સંસ્થા સાથે કામ કરે છે. Vale4Africa દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ બેનેડિક્ટીન આઈ હોસ્પિટલ અને ટોરોરો જનરલ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સેવાઓને ટેકો આપવા માટે સાધનોની ખરીદી માટે વાપરવામાં આવે છે. જેથી બંને હોસ્પિટલો હજારો દર્દીઓને મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળ સેવા આપી શકે છે. કોવિડ પહેલા તે બંને હોસ્પિટલોએ વેલ્સની ઓપ્ટોમેટ્રી અને ઓપ્થેલ્મોલોજી ટીમો અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોના સહકારખી 2014થી 2019 દરમિયામ આઇ કેર શિબિરો દ્વારા 5,000 થી વધુ દર્દીઓની સારવાર કરી હતી.
ચેરીટી દ્વારા હાલમાં બે શિક્ષણ પ્રોજેક્ટ પર કામ ચાલે છે. ACET ગ્રામીણ પુસ્તકાલય દ્વારા ટોરોરોની શાળાઓના બાળકોને પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક વાંચન સામગ્રી અપાય છે. વોટર ટુ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત 32 પ્રાથમિક શાળાઓ અને એક નર્સરી સ્કૂલને સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવે છે. 9 વર્ષના ગાળામાં 8,000 થી વધુ વિદ્યાર્થીઓએ પીવાના પાણી અને શાળાના ભોજનની જોગવાઈનો લાભ લીધો છે. આના કારણે છોકરીઓનો શિક્ષણમાંથી છૂટા થવાના દરમાં ઘટાડો થયો છે.