વૈષ્ણવ સંઘ ઓફ યુ.કે. દ્વારા પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના સાન્નિધ્યમાં લંડન અને લેસ્ટર ખાતે વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ભયાનક રોગચાળા બાદ યુ.કે.ની મુલાકાતે પધારેલા જે જે શ્રીએ તા. 7મી મેના રોજ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે સર્વોત્તમ વનના મનોરથ (108 વૃક્ષ) અને સર્વોત્તમ સ્તોત્ર પર વચનામૃતનો લાભ આપ્યો હતો. સ્ટેજ સજાવટ ઉચ્ચ ગુણવત્તાવાળી અને રંગીન રહી હતી. 108 વન વૃક્ષોની પ્રતિકૃતી તરીકે શ્રી સર્વોત્તમના 108 નામ ધરાવતા 108 છોડ મૂકાયા હતા. વનની મધ્યમાં શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભપ્રભુજીની પ્રતિમા મૂકાઇ હતી. પ્રથમ વખત ભારત બહાર આવા મનોરથનું આયોજન કરાયું હતું જેનો VSUK સાથે જોડાયેલા વૈષ્ણવોએ આનંદપૂર્વક લાભ લીધો હતો.
VSUKના અધ્યક્ષ શ્રી સુભાષભાઇ લાખાણીએ પરિચય અને અપડેટ્સ આપ્યા પછી, મીનાબેન પોપટે મુખ્ય મનોરથીઓને સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા. જેમને જે જે શ્રીએ આશીર્વાદ આપ્યા હતા. પ્રમોદભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર જે જે શ્રીએ આપેલા વચનામૃતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જે જે શ્રીએ શ્રોતાઓ સમક્ષ આશ્ચર્યજનક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે શ્રી મહાપ્રભુજી 84 બેઠકના પાંચ દિવસના મહોત્સવનું આયોજન આગામી તા. 20થી 24 ઓગસ્ટ 2022 દરમિયાન કરાશે. સૌએ સ્ટેજ પર શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભપ્રભુજીના દર્શન, જેજે શ્રીના આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
તા. 8મી મેના રોજ લેસ્ટરની વ્રજધામ હવેલી ખાતે શ્રી ગિરિરાજના માખણ મિશ્રીના મનોરથ (84 કુલડ) અને શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ પર વચનામૃતનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે શ્રી ગિરિરાજીની આસપાસ માખણ અને મિસરીના 84 કુલડ રજૂ કરાયા હતા. જે જે શ્રીએ શ્રી ગિરિરાજ ધેર્યાષ્ટકમ વિષય વચનામૃતનો લાભ આપ્યો હતો. જે જે શ્રીએ ગિરિરાજ મંદિરને ખુલ્લુ મૂકતા ઉપસ્થિત સૌએ મં ત્રમુગ્ધ દર્શનનો લહાવો મેળવ્યો હતો. જે જે શ્રી દ્વારા પ્રથમ ગિરિરાજીની અને પછી શ્રી ઠાકોરજીની બે આરતીઓ કરવામાં આવી હતી.
ઓગસ્ટના મહોત્સવને VSUK દ્વારા 2018માં યોજાયેલા 84 કોસ વ્રજ યાત્રા મહોત્સવ જેટલો જ મોહક બનાવવાની ખાતરી આપવામાં આવી હતી. ઉત્સવોમાં ભાગ લેવા માટે કોચની વ્યવસ્થા કરાઇ હતી.
સંસ્થા દ્વારા યોગના વર્ગોનું આયોજન દર સોમવાર, ગુરુવાર અને શુક્રવારે સવારે 10.30થી 11.30 દરમિયાન કરાયું છે. જો કોઇને મીટિંગ, સેમિનાર, હેલ્થ ક્લાસ, કથા, સત્સંગ, લોટી ઉત્સવ, ભજન, બર્થડે પાર્ટી કે કોઈ લગ્ન સમારંભ માટે શ્રીનાથધામ નેશનલ હવેલી અને કોમ્યુનિટી સેન્ટર, 2a Rosslyn Crescent, Harrow, HA1 2SU ભાડે જોઇતું હોય તો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.
સંપર્ક: મીનાબેન પોપટ 07958 436 586; સુભાષભાઈ લાખાણી 07748 324 092 અને શીલુબેન પટેલ: 07828 208 181.