શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ગોમતી કિનારે રૂ. ૭ કરોડના ખર્ચ તૈયાર થયેલ નવનિર્મિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલયનું આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, સંપ્રદાયના વરિષ્ઠ સંતોના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.
આ પ્રસંગે સંતો, અગ્રણી હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓથી સભર, વડતાલ મંદિરની સંસ્કૃત પાઠશાળા શિરમોર બની રહે તેવી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની લાગણી આજે પાઠશાળાના ઉદ્દઘાટન સાથે પૂર્ણ થઇ હતી.
વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, નૂતન સંસ્કૃત મહાવિદ્યાલયનું ૬૦ હજાર સ્કવેર ફુટ જગ્યામાં નિર્માણ થયેલ છે. ત્રણ માળની ઇમારતમાં ગ્રાઉન્ડ ફલોર પર ર હજાર સ્કેવર ફૂટમાં અભ્યાસ હોલ આવેલો છે.
જયાં વિદ્યાર્થીઓને મુખ્ય વિષય સંસ્કૃત, વ્યાકરણ, વેદાન્ત, સાહિત્ય, જયોતિષ, કમ્પ્યુટર, સંગીત ઉપરાંત યોગ, વેદ અને કર્મકાંડ સહિતના વિષયોનું અધ્યયન કરાવાશે.