આવકવેરા વિભાગે બેનામી સંપત્તિ કાયદા હેઠળ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરાની સોમવારે પૂછપરછ કરી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિટનમાં કેટલીક સંપત્તિની કથિત માલિકીના આરોપ હેઠળ વાડરાની તપાસ ચાલુ છે.
વાડરાને આવકવેરા વિભાગની ઓફિસે બોલવવામાં આવ્યા હતા, પરંતુ કોરોના નિયંત્રણોને કારણે આવ્યા ન હતા અને તેથી આવકવેરા અધિકારીઓની ટીમ દિલ્હીમાં સુખદેવ વિહાર એરિયામાં તેમની ઓફિસમાં ગઈ હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું.
આ કેસ આર્મ્સ ડીલર સંજય ભંડારી મારફત બ્રિટનમાં કથિત રીતે ખરીદવામાં આવેલી મિલકત સાથે જોડાયેલો છે. વાડરાએ 2009માં થયેલા પેટ્રોલિયમ સોદામી કથિત લાંચની રકમથી આ પ્રોપર્ટી ખરીદી હોવાનો તેમના પર આરોપ છે. વાડરા લંડનમાં કેટલીક પ્રોપર્ટી ધરાવતી હોવાનું માનવામાં આવે છે. જેમાંથી એક પ્રોપર્ટી લંડનના બ્રિસ્ટન સ્કેવર ખાતે હોવાનું કહેવાય છે. આ પ્રોપર્ટીનું મૂલ્ય 1.9 મિલિયન પાઉન્ડ છે. આશરે ચાર મિલિયન અને પાંચ મિલિયન પાઉન્ડની બીજી બે પ્રોપર્ટી પણ છે.