વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જેમાં પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. જ્યારે ત્રણ સભ્યોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી
આ ઘટનાની માહિતી મુજબ સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા હતા.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં મકાન નંબર સી. 13માં રહેતા નરેન્દ્ર સોની મંગળ બજાર વિસ્તારમાં ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતા હતા છેલ્લા બે વર્ષથી અને લોકડાઉનની પરિસ્થિતિમાં તેમને આર્થિક નુકસાનમાં સતત વધારો થતો ગયો હતો, જેથી જીવન નિર્વાહ કરવાની મુશ્કેલી પડતી હતી.
આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ જવાથી તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સમા વિસ્તારની સોસાયટીમાં તેવો અગાઉ મકાન નંબર C-18માં રહેતા હતા એ મકાન તેમણે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થતા રૂપિયા રૂ.25 લાખમાં વેચી દીધું હતું અને નજીકમાં ભાડાનું મકાન લઈને રહેતા હતા.