યુકેમાં કરોનાવાયરસની રસી આપવાનું શરૂ થઇ રહ્યું હોવાનું જાણીને ભારતમાં વસતા કેટલાક ભારતીયોએ ટ્રાવેલ એજન્ટો પાસે વેક્સીન લેવા માટે ખાસ ‘યુકે પેકેજો’ તૈયાર કરાયા છે કે કેમ તેની પૂછપરછ આદરી છે. ભારતીયો કોઇ પણ ખર્ચો થતો હોય તો ભલે થાય પણ કોવિડ-19ની રસી મેળવવા માટે યુકેની મુસાફરી કરવાની ઇચ્છા ધરાવે છે.
ઇઝમાયટ્રિપ ડોટ કોમના સહ-સ્થાપક અને સીઈઓ નિશાંત પટ્ટીએ જણાવ્યું હતું કે ‘’ભારતમાં વસતા અને યુકેના વિઝા ધરાવતા લોકો જેબ મેળવવા માટે યુકે જવાની સંભાવના વિશે અમને પૂછી રહ્યા છે. અમે યુકે સરકારની સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છીએ કે શું રસી લેવા ઇચ્છતા મુસાફરો માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનની આવશ્યકતાઓ હશે કે કેમ અને ભારતીય પાસપોર્ટ ધારકો રસીકરણ માટે પાત્ર છે કે નહીં.’’
યુકેના તાજેતરના નિયમો હેઠળ 15 ડિસેમ્બરથી વિદેશથી આવનાર દરેક મુસાફરે આગમન પછી પાંચ દિવસ માટે આસોલેશનમાં રહેવું પડશે અને ત્યારબાદ છઠ્ઠા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. જો ટેસ્ટમાં કોવિડ-નેગેટિવ ટેસ્ટ મળી આવશે તો જ જે તે વ્યક્તિ છઠ્ઠા દિવસે આઇસોલેશન છોડી શકે છે.
ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ જ્યોતિ મયાલે કોવિડ રસીકરણ અંગે નિર્ણય લેતા પહેલા લોકોને ‘થોભો અને રાહ જુઓ’ની સલાહ આપી છે.