વસંત ઋતુ સુધીમાં દેશને થોડીક સામાન્યતા તરફ પરત લાવવા અને શક્ય તેટલું વધુ લોકોને બચાવવા માટે યુકેમાં કોવિડથી જોખમમાં મુકાયેલા લાખો લોકોને ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા રસીનો સૌપ્રથમ એક જ ડોઝ આપવામાં આવશે અને તે પછી ત્રણ મહિનાની અંદર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જો કે એક ડર એવો છે કે કેટલાક લોકો બીજા ડોઝ લેવા માટે પાછા ન પણ આવે. જે સામાન્ય રીતે ત્રણ સપ્તાહ પછી આપવાની ભલામણ કરાઇ છે.
ફાઈઝર / બાયોએનટેકે કહ્યું છે કે તેમની રસી 12 અઠવાડિયાના લાંબા વિરામ બાદના બીજા શોટ માટે બનાવવામાં આવી નથી. એવા કોઈ પુરાવા નથી કે પ્રથમ શોટ ત્રણ અઠવાડિયા ઉપરાંત પણ કામ કરવાનું ચાલુ રાખશે. અધ્યયના ડેટા મુજબ રસીના પ્રથમ ડોઝના 12 દિવસ પછી તેની અસર શરૂ થાય તેમ લાગે છે અને રસીના બે ડોઝ, આ રોગ સામે મહત્તમ સુરક્ષા પૂરી પાડવા માટે જરૂરી છે.
બોરીસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘’રસીથી મળેલા ફાયદા 21 દિવસની અંદર શરૂ થઈ જશે. તેનો અર્થ એ છે કે આપણે આવતા અઠવાડિયાઓમાં વધુ ઘણા લોકોને રસી આપીને તેમનું રક્ષણ કરી શકીએ છીએ.”
તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2021ની વસંત સુધીમાં સરકાર ઘણા કોરોનાવાયરસ પ્રતિબંધો હટાવવામાં સક્ષમ થઈ જશે. પ્રજાએ થોડા સમય માટે હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવી મૂળભૂત શિસ્ત સાથે ચાલવાની જરૂર પડી શકે છે.
એસ્ટ્રાઝેનેકાએ કહ્યું હતું કે તેની રસી વિશ્વના કેટલાક ગરીબ વિસ્તારોમાં ઓછા ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવશે અને તેને નફા માટે બનાવવામાં આવી નથી.