વડા પ્રધાન બોરિસ જોન્સન , લંડનના મેયર સાદિક ખાન, વેક્સીન મિનિસ્ટર નદિમ ઝાહાવી, એનએચએસ અને સ્થાનિક નેતાઓએ સાથે મળીને રાજધાની લંડનમાં કોવિડ-19 રસીકરણ અભિયાનને વેગ આપવા માટે સહમત થયા છે અને આગામી ત્રણ અઠવાડિયામાં રસીકરણની સંખ્યા વધારવા માટે લંડનના સ્ટ્રેટફર્ડ ખાતે વેક્સીન સમિટ યોજાઇ હતી. જુલાઈ 19ના રોજ સુરક્ષિત રીતે રાજધાની ફરીથી ખુલી શકે તે માટે શહેરના નેતાઓ શક્ય તેટલા લંડનવાસીઓને રસી આપવા માંગે છે.
મેયર સાદિક ખાન અને વેક્સીન મિનિસ્ટર નધિમ ઝાહાવી, એનએચએસ અને સ્થાનિક નેતાઓ સાથે 25 જૂનના રોજ રાજધાનીમાં રસી લેમારા લોકોની સંખ્યા વધારવા લંડનવાસીઓને અપીલ કરી હતી. તેમના આ પ્રયાસોમાં એન.એચ.એસ. અધિકારીઓ, આરોગ્ય, સમુદાય, ફેઇથ જૂથો અને ઉદ્યોગપતિઓ પણ જોડાશે.
રસીઓના 8.3 મિલિયન ડોઝ લંડનવાસીઓને આપવામાં આવ્યા છે, જેમાંથી 3.2 મિલિયનથી વધુ લોકોને બે ડોઝ મળ્યા છે, પરંતુ મેયરે પ્રકાશ પાડ્યો હતો કે રાજધાની રસીના રોલઆઉટમાં અનન્ય પડકારોનો સામનો કરે છે. લંડનમાં યુવાન, જલદીથી ઘર બદલતા અને વૈવિધ્યસભર લોકોની વસ્તી છે, જે લોકો મોટા પ્રમાણમાં જી.પી. સાથે નોંધાયેલા નથી. વળી માઇગ્રેટ થયેલા લોકોનું પ્રમાણ પણ સૌથી વધુ છે, જેમની જીપી પાસે રજિસ્ટર થવાની સંભાવના ઓછી છે. આનાથી તેમને રસીકરણ માટે એપોઇન્ટમેન્ટનું આમંત્રણ મળતું નથી.
જો કે સરકારે જીપીમાં રજીસ્ટર્ડ થયા ન હોય કે NHS નંબર ન હોય તો પણ રસી આપવા તત્પરતા બતાવી છે જેથી તમામ લંડનવાસીઓ રસીના બંને ડોઝ લઇ શકે. લંડન વેક્સીન સમિટમાં લંડન માટે એનએચએસના રીજનલ મેડિકલ ડિરેક્ટર ડો. વિન દિવાકર; પીએચઇ લંડનનાં ડિરેક્ટર, પ્રોફેસર કેવિન ફેન્ટન; ન્યુહામના મેયર રોફસાના ફિયાઝ ઉપસ્થિત રહ્યા હતા.
મેયર સાદિક ખાને કહ્યું હતું કે, “લંડન એક વૈશ્વિક શહેરમાં કોવિડ રસી લેવાની દિશામાં આગળ છે. લંડનમાં વૉકઇન રસીકરણ કેન્દ્રોની સફળતા જોઇ છે અને મને આનંદ છે કે તેઓ આવતા અઠવાડિયાઓમાં પણ ચાલુ રહેશે. આવતા ત્રણ અઠવાડિયાઓમાં લોકડાઉન હટાવવામાં આવે તે માટે બધા રસી લે તે જરૂરી છે. હું 18 અને તેથી વધુ ઉંમરના તમામ લંડનવાસીઓને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ રસી લેવા આગળ આવે.”
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે “યુકેમાં દર પાંચમાંથી ત્રણ પુખ્ત વયના લોકોઓ બે રસી લીધી છે, તેથી વધુને વધુ લોકોને હવે વાયરસ સામે સંપૂર્ણ સંરક્ષણ મળે છે. તેમાં ત્રણ મિલિયન લંડનવાસીઓ શામેલ છે. રસી ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે.’’
વેક્સીન મિનિસ્ટર નધિમ ઝાહાવીએ કહ્યું હતું કે “હું ખૂબ જ ખુશ છું કે એનએચએસ અધિકારીઓ, આરોગ્ય, સમાજ, ધાર્મિક નેતાઓ અને ઉદ્યોગપતિઓ આ લંડન વેકસીન સમિટમાં એકતા દાખવી કામ કરી રહ્યા છે. રસીઓ જીવન બચાવે છે અને પુરાવા બતાવે છે કે રસીના કારણે ઇંગ્લેન્ડમાં 14,000 થી વધુ લોકોના મોત અને 44,500થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થતા અટક્યા છે.
ગયા વિકેન્ડમાં NHS એ ચેલ્સિ, વેસ્ટ હામ, ટોટનહામ, ચાર્લટન, આર્સેનલ અને ક્રિસ્ટલ પેલેસ ફૂટબૉલ ક્લબ ખાતે સફળ સામૂહિક રસીકરણ પોપ-અપ ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું જેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.