કોરોના સામે રસીકરણ અભિયાન 16મી જાન્યુઆરીથી ચાલુ થવાનું છે ત્યારે એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટ મારફત વેક્સિનનો 2.76 લાખનો સ્ટોક સોમવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એરપોર્ટ પર આવીને વેક્સિનના વધામણાં કર્યા હતા. કોરોનાની રસીના પ્રથમ જથ્થાનું સ્વાગત કંકુ, ચોખા અને શ્રીફળ સાથે કરવામાં આવ્યું હતુ. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ વેક્સિનના જથ્થાને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. રસીનો પ્રથમ ડોઝ ગાંધીનગર ઝોન, અમદાવાદ ઝોન અને ભાવનગર ઝોનને મોકલવામાં આવશે. 14-15 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રસી મોકલી આપવામાં આવશે.
પહેલા તબક્કામાં મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવશે. રવિવારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનેશન માટેના 25 હજાર જેટલા બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને ફ્રંટલાઈન વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ લેનારાની ઓનલાઈન નોંધણી થશે. પહેલો ડોઝ લેનારા વ્યક્તિએ 29મા દિવસે તે જ વેક્સિનનો ડોઝ લેવાનો રહેશે અને તે જ બૂથ પર લેવાનો રહેશે. બંને ડોઝ લેવાઈ જાય ત્યારબાદ 15 દિવસ પછી રસીની અસર થવાની શરુઆત થશે. મતલબ કે, પહેલો ડોઝ લીધાના કુલ 45 દિવસ બાદ તેની અસર થવાની શરુઆત થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સિન લેનારો વ્યક્તિ કોરોનાથી સુરક્ષિત રહેશે, તેમજ બીજાને પણ કોરોનાનો ચેપ નહીં લગાડે.